ગુજરાત હાઈકોર્ટે દહેજ હત્યા અને દહેજ પ્રતિબંધ તથા ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા રાજ્યની તમામ જિલ્લા અદાલતો માટે મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના અનુસંધાનમાં ટ્રાયલ કોર્ટોને આવા કેસોને અગ્રતા આપવા અને લાંબા સમયથી પેન્ડિંગ કેસોની નિયમિત સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે.
13 ઓક્ટોબર, 2026ના રોજ રજિસ્ટ્રાર જનરલ હેમંગ આર. રાવ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં ભારતીય દંડ સંહિતાની કલમ 304-B અને 498-A તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 80 અને 85 હેઠળ આવતા કેસોના ઝડપી નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસોની ખાસ ઓળખ કરીને તેમની માસિક અથવા ત્રિમાસિક સમીક્ષા કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
ચાર્જશીટ બાદ 60થી 90 દિવસમાં ચાર્જ નક્કી કરવા ભાર
કોર્ટોને ટ્રાયલની કાર્યવાહી સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવા જણાવાયું છે. ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીઓની હાજરી ઝડપથી સુનિશ્ચિત કરવા અને સામાન્ય રીતે 60થી 90 દિવસની અંદર આરોપો નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા પર ભાર મૂકાયો છે. ચાર્જ નક્કી થયા બાદ સાક્ષીઓના પુરાવા નોંધવાની કાર્યવાહી પણ વિલંબ વિના શરૂ કરીને કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળ વધારવાની રહેશે.
જોકે, એકથી વધુ આરોપીઓ હોય, પૂરક ચાર્જશીટ દાખલ કરવાની હોય અથવા ફોરેન્સિક તપાસ સહિતનાં અનિવાર્ય કારણોસર વિલંબ થતો હોય તો અપવાદરૂપ સંજોગોને ધ્યાનમાં લઈ શકાશે.
વારંવાર મુલતવી રાખવા સામે કડક વલણ
કેસોની સુનાવણીમાં બિનજરૂરી વિલંબ અટકાવવા માટે પણ હાઈકોર્ટે સૂચનાઓ આપી છે. હવે સુનાવણી મુલતવી રાખવામાં આવે ત્યારે કોર્ટે તેના કારણો લેખિતમાં નોંધવા પડશે. આરોપીના વકીલ પૂરતા કારણ વિના સતત ગેરહાજર રહે તો ટ્રાયલ અટકી ન જાય તે માટે લીગલ એઇડ કાઉન્સિલ અથવા એમિકસ ક્યુરીની નિમણૂક કરવા જેવા વિકલ્પો અપનાવવામાં આવશે.
તપાસ અધિકારીની બદલી થાય અથવા તેઓ નિવૃત્ત થાય તો પણ કેસની કાર્યવાહી અટકે નહીં તે માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવાયું છે. આથી તપાસ અધિકારી બદલાવાના કારણે ટ્રાયલમાં લાંબો વિલંબ થતો અટકાવી શકાય તેવી અપેક્ષા છે.
સાક્ષીઓ માટે અગાઉથી ‘વિટનેસ કેલેન્ડર’ બનાવવું પડશે
ચાર્જ નક્કી થયા બાદ ટ્રાયલ કોર્ટોએ સાક્ષીઓની તપાસ માટે ‘વિટનેસ કેલેન્ડર’ તૈયાર કરવાનું રહેશે. તેમાં સાક્ષીઓની હાજરીની તારીખો, સમન્સની બજવણી અને પુરાવા નોંધવાનો ક્રમ અગાઉથી નક્કી કરવામાં આવશે. તપાસ અધિકારીઓએ પણ સમન્સની સમયસર બજવણી અને સાક્ષીઓની હાજરી સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાનાં રહેશે.
પરિપત્રની નકલો અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ, તમામ જિલ્લાઓના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, ફેમિલી કોર્ટો અને સંબંધિત ન્યાયિક અધિકારીઓને મોકલવામાં આવી છે.
આ દિશાનિર્દેશોનો મુખ્ય હેતુ દહેજ હત્યા અને ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં થતો બિનજરૂરી વિલંબ ઘટાડવાનો, લાંબા સમયથી પેન્ડિંગ કેસોની સુનાવણીને વેગ આપવાનો અને પીડિતોને સમયસર ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે.










