વેરાવળમાં ડ્રગ્સ સામે પોલીસની મોટી કાર્યવાહી: રૂ.5.76 લાખના એમ્ફેટામિન સાથે એક ઝડપાયો, રૂ.6.32 લાખનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વેરાવળમાં માદક પદાર્થોની હેરાફેરી સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને 57.65 ગ્રામ એમ્ફેટામિન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન, ઓટોરિક્ષા સહિત કુલ રૂ.6,32,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મુંબઈ અને વેરાવળના અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસને 12 ઓક્ટોબરના રોજ મળેલી બાતમીના આધારે વેરાવળ બસ સ્ટેશન સામે આવેલા શક્તિ મોલની પાછળ સાંગાણી હોસ્પિટલવાળી ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા 39 વર્ષીય અલારખા ઇબ્રાહીમ કેસરીયા પાસેથી નેટ વજન 57.65 ગ્રામ એમ્ફેટામિન મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સની કિંમત રૂ.5,76,500 આંકી આરોપીની ધરપકડ કરી હતી.

ડ્રગ્સ સહિત રૂ.6.32 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ડ્રગ્સ ઉપરાંત બે પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ, પાર્સલનાં કાગળો, લેડીઝ ડ્રેસ, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને એક ઓટોરિક્ષા કબજે કરી છે. આ તમામ વસ્તુઓની કુલ કિંમત રૂ.6,32,500 થવા જાય છે.

મુંબઈ અને વેરાવળના બે શખ્સોની શોધખોળ

આ કેસમાં મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા મોસીન યુસુફ તુર્ક અને વેરાવળની બાગે યુસુફ કોલોનીમાં રહેતા તોસીફ ઉર્ફે જીવાત મલેકને પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ માદક પદાર્થનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરતા હોવાની આશંકા છે.

આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 22(c) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં PI કે.એ. ચાવડા, આર.આર. રાયજાદા, PSI એસ.જે. સોલંકી, એ.બી. ગોહિલ સહિત પોલીસની ટીમ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai