અમદાવાદના એસ.જી. હાઇવે પર સ્ટીલ ટ્રેડર પાસેથી ટેન્કર બનાવવાના બહાને આયર્ન શીટનો મોટો જથ્થો ખરીદી ₹37.83 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ શરૂઆતમાં અલગ-અલગ પેઢીઓના નામે કરોડો રૂપિયાનો માલ ખરીદી આંશિક ચુકવણી કરીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ બાકી રકમ ચૂકવ્યા વિના પેઢીઓ બંધ કરી ફોન બંધ કરી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદી દિનેશકુમાર રામીની કર્ણાવતી સ્ટીલ ટ્રેડર્સ નામની પેઢીમાંથી સપ્ટેમ્બર 2020થી માર્ચ 2021 દરમિયાન હિતેશ પંચાલ, ઋતુજા પંચાલ, કમલેશ પંચાલ અને સંદીપકુમાર કૈલાશે કુલ ₹1,02,31,265નો માલ ખરીદ્યો હતો. તેમાંથી ₹64,47,363 ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ₹37,83,902 ચૂકવવામાં આવ્યા ન હતા.
વેપારની શરૂઆતમાં ‘શ્રી મણિભદ્ર ફેબ્રિકેશન’ના નામે માલ ખરીદવામાં આવ્યો હતો. ત્યારબાદ ‘એસ.કે. એન્ટરપ્રાઇઝ’ના નામે પણ આયર્ન શીટ ખરીદવામાં આવી હતી. બાકી નાણાંની ઉઘરાણી કરતાં આરોપીઓ બહાનાં બતાવવા લાગ્યા અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ ગાંધીનગર અને નરોડા ખાતે આપેલા સરનામે તપાસ કરતાં ત્યાં સંબંધિત પેઢી કે આરોપીઓ મળી આવ્યા નહોતા. આ મામલે વેપારીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










