સુરેન્દ્રનગર LCBની કાર્યવાહી: ₹1.80 લાખનો મુદ્દામાલ કબજે, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસને સફળતા
સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. ચોટીલા પંથકમાં એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી અંદાજે ₹1.80 લાખની કિંમતનો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો અને વાયરના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ચોટીલાના રાજપરા ગામના જુગેશ વિહાભાઈ બાવળિયા તેમજ વાંકાનેર તાલુકાના વિનયગઢના કિશન વેલાભાઈ ધોરિયા અને રણજીત બચુભાઈ ગણાદિયાને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કબજે કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ચોરીના ગુનાને લગતી વધુ વિગતો મેળવવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.










