સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-લખતર હાઈવે અને દસાડા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના બે અલગ-અલગ દરોડા પાડ્યા હતા. બંને કાર્યવાહીમાં દારૂ-બિયરની બોટલો, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 22.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે ફરાર થયેલા શખ્સોને પકડવા તપાસ હાથ ધરી છે.
વઢવાણ-લખતર હાઈવે પર એસ.એસ. વ્હાઇટ ફેક્ટરી સામે એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અહીંથી જાહિદ ઉર્ફે લાલો અબ્બાસભાઈ લાખવા અને હસન ખલીલભાઈ શેખને દારૂ-બિયર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન 2,089 દારૂની બોટલો, 362 બિયરના ટીન, બે મોબાઈલ અને કાર સહિત રૂ. 10.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂના જથ્થા અંગેની પૂછપરછમાં અન્ય શખ્સોનાં નામ સામે આવતાં પોલીસે કુલ ચાર આરોપીઓ સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, દસાડા તાલુકાના મીઠાઘોડાથી મુલાડા તરફ વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર પસાર થવાની બાતમી મળતાં પાટડી ડીવાયએસપી સ્ક્વોડે રાત્રે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલી કારની આગળ આઈ-10 કારમાં પાયલોટિંગ કરતો નવા સવલાસનો 27 વર્ષીય ઈમ્તિયાઝ મહમદખાન મલેક ઝડપાયો હતો. જોકે, પાછળ આવતી સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવાનો પ્રયાસ કરતાં તેમાં સવાર બે શખ્સો કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસે આ કાર્યવાહીમાં દારૂની 1,533 બોટલો, બિયરના 160 ટીન, બે કાર અને મોબાઈલ સહિત રૂ. 12.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ઈમ્તિયાઝની પૂછપરછમાં ફરાર શખ્સો તરીકે ઈમ્તિયાઝ બાપજીરાજ મલેક અને દીપક વાસુદેવભાઈ ઠાકોરનાં નામ સામે આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










