દશેરાના પવિત્ર તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ફરી સુધારો જોવા મળ્યો છે. આવતીકાલે દશેરાના દિવસે શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો બજારમાં ઉમટી પડશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં આજે સોનાનો હાજર ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,900 નોંધાયો હતો, જ્યારે કોમોડિટી વાયદામાં ₹400ના ઉછાળા સાથે ભાવ ₹1,48,325 થયો હતો. વિશ્વબજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,177 ડોલર રહ્યો હતો. બીજી તરફ, રાજકોટમાં હાજર ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,15,500 અને વાયદામાં ₹2,11,450 નોંધાયો હતો. વિશ્વબજારમાં ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 57.50 ડોલર રહ્યો હતો.
સોનીબજારના વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો આશરે 200 પૈસા મજબૂત બનતાં આયાત ખર્ચમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ હતી, જેના કારણે સ્થાનિક બજારમાં હાજર ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. જોકે, તહેવાર પૂર્વે ભાવમાં ફરી સુધારો થતાં ખરીદદારોની નજર હવે દશેરાની ઘરાકી પર ટકેલી છે.
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાના જણાવ્યા મુજબ, તાજેતરમાં ભાવમાં ઘટાડો થયો હોવાથી દશેરાના દિવસે સારી ઘરાકી નીકળવાની આશા છે. નવરાત્રિ દરમિયાન પણ સોના-ચાંદીની ખરીદીમાં હલચલ જોવા મળી હતી. જોકે, જ્વેલર્સના મતે આ વર્ષે મોટી ખરીદીની શક્યતા મર્યાદિત છે અને ગયા વર્ષની સરખામણીએ ઘરાકી ઓછી રહેવાની સંભાવના છે. સોના-ચાંદીના સતત વધતા ભાવને કારણે ગ્રાહકોની ખરીદીની માનસિકતામાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
બિલ અને રોકડમાં ખરીદીના ભાવ વચ્ચેનું અંતર ઘટ્યું
દશેરા પૂર્વે સોના-ચાંદીના બજારમાં વધુ એક મહત્ત્વનો ફેરફાર જોવા મળ્યો છે. બિલ સાથે ખરીદી અને રોકડમાં ખરીદીના ભાવ વચ્ચેનું અંતર અગાઉની સરખામણીએ ઘટ્યું હોવાનું વેપારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અહેવાલ મુજબ, અગાઉ આ તફાવત આશરે ₹5,000થી ₹6,000 સુધી રહેતો હતો, જે હવે ઘટીને લગભગ ₹1,400ની આસપાસ આવ્યો છે.
હાલમાં બિલ સાથે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,900 અને રોકડમાં ₹1,49,500 જણાવાયો છે. સોના પર આયાત જકાતમાં વધારા બાદ દાણચોરીના સોનાના પ્રવાહ અંગે અગાઉ અટકળો થઈ હતી. જોકે, ભાવના તફાવતમાં આવેલા ઘટાડાનાં ચોક્કસ કારણોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે દશેરાના દિવસે બજારમાં કેટલી ઘરાકી રહે છે અને સોના-ચાંદીના ભાવમાં આગળ કેવો ફેરફાર થાય છે તેના પર વેપારીઓની નજર રહેશે.










