અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા નજીકથી વિદેશી દારૂની 5,616 બોટલ અને બિયરના 4,608 ટીન ભરેલો ટ્રક ઝડપાયો; એક આરોપીની ધરપકડ, અન્ય શખ્સોને પકડવા તપાસ શરૂ
મોરબીના વીંછીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા નજીક વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથેનો ટ્રક ઝડપાયો છે. જિલ્લા LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 5,616 બોટલ અને બિયરના 4,608 ટીન સહિત કુલ ₹81,11,288નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, દારૂના જથ્થાનું કટિંગ થાય તે પહેલાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન એક આરોપી સંદીપ ભુપતભાઈ અગેચાણીયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ મંગાવનાર શખ્સો, ટ્રકચાલક અને અન્ય વાહનચાલકો સહિતના સંડોવાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દારૂની 5,616 બોટલ અને બિયરના 4,608 ટીન જપ્ત
જિલ્લા LCBના PI એસ.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે PSI બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી અને LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડના સ્ટાફે વીંછીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા નજીક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી ટ્રકમાં રાખેલો દારૂ-બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂની 5,616 બોટલ, જેની કિંમત ₹41,10,288, તેમજ બિયરના 4,608 ટીન, જેની કિંમત ₹5,76,000 થાય છે, તે કબજે કર્યા હતા. આ ઉપરાંત ત્રણ ટ્રોલી સાથેનાં ટ્રેક્ટર, ચાર મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મુદ્દામાલની કિંમત ₹81,11,288 હોવાનું જણાવાયું છે.
દારૂ મંગાવનાર બે શખ્સ સહિત અન્યની શોધખોળ
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, રોહિત ઉર્ફે બબલુ બાબુભાઈ અગેચાણીયા અને અક્ષય બાબુભાઈ અગેચાણીયાએ દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ બંને સહિત ટ્રક નંબર RJ-14-GH-0333ના ચાલક, ત્રણ ટ્રેક્ટર અને ચાર બાઇકના ચાલકો તેમજ દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને મોકલાવનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈનાં નામ સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એલસીબીની આ કામગીરીથી દારૂના જથ્થાના કથિત ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.










