ભાવ ઘટતાં રાજકોટના સોનીબજારમાં ખરીદીનો સળવળાટ; દશેરાના શુભ દિવસે ઘરાકી વધવાની વેપારીઓને આશા
સોના-ચાંદીની ખરીદી માટેના શુભ દિવસ દશેરાએ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂ. 1,300 અને ચાંદીના ભાવમાં રૂ. 1,200નો ઘટાડો થતાં બજારમાં ખરીદીનો સળવળાટ જોવા મળ્યો હતો. ભાવમાં ઘટાડાને પગલે રાજકોટ સહિત ગુજરાતભરના સોનીબજારમાં ઘરાકી વધવાની આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી.
રાજકોટમાં સોનાનો ભાવ રૂ. 1,49,400
રાજકોટમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,49,400 નોંધાયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ 4,122 ડોલર થયો હતો. બીજી તરફ, ચાંદીનો સ્થાનિક ભાવ ઘટીને રૂ. 2,14,300 અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ પ્રતિ ઔંસ 57.30 ડોલર નોંધાયો હતો.
ઝવેરીઓના જણાવ્યા મુજબ, વૈશ્વિક બજારમાં મંદીના માહોલની અસર સ્થાનિક બજાર પર પણ પડી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ સહિતના ઘટનાક્રમો અને બજારમાં થતી વધઘટને ભાવ ઘટાડા પાછળનાં સંભવિત કારણો ગણાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત, તાજેતરના દિવસોમાં ડોલર સામે રૂપિયો મજબૂત થવો પણ ભાવને અસર કરતું એક પરિબળ હોવાનું વેપારી વર્તુળોમાં માનવામાં આવે છે.
ભાવ ઘટતાં ખરીદી વધવાની આશા
દશેરાના દિવસે સોના-ચાંદીના ભાવમાં થતી સતત ઉથલપાથલને કારણે ઘરાકી પર અસર થવાની આશંકા વેપારીઓને હતી. જોકે, તહેવારના દિવસે ભાવમાં ઘટાડો નોંધાતાં ખરીદી માટે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વેપારીઓના મતે, બપોર બાદ ખરીદીનું પ્રમાણ વધવાની શક્યતા હતી. તહેવારને ધ્યાનમાં રાખીને સોનીબજાર અને જ્વેલર્સનાં શોરૂમ મોડે સુધી ખુલ્લાં રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
જ્વેલર્સ દ્વારા વ્યક્તિગત ઓફરો
રાજકોટ સહિત ગુજરાતભરમાં દશેરાના શુભ મુહૂર્તે સોના-ચાંદી અને દાગીનાની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, એસોસિએશન સ્તરે કોઈ વિશેષ સ્કીમ જાહેર કરવામાં આવી નહોતી. બીજી તરફ, વિવિધ જ્વેલર્સ દ્વારા વ્યક્તિગત રીતે દાગીનાના ઘડામણ ચાર્જમાં ડિસ્કાઉન્ટ સહિતની ઓફરો આપવામાં આવી હતી, જેથી ગ્રાહકોને ખરીદીમાં રાહત મળી શકે.










