રાજકોટમાં નવરાત્રિ પૂર્ણ થતાં જ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ફરી સક્રિય થયા હોય તેમ પોલીસની બે અલગ-અલગ કાર્યવાહીમાં દારૂ ભરેલાં બે વાહનો ઝડપાયાં છે. એલસીબી ઝોન-2એ રેલનગરમાંથી 240 બોટલ દારૂ ભરેલી માલવાહક ગાડી સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયા રોડ પરથી દારૂ ભરેલી અર્ટિગા કાર કબજે કરી હતી, પરંતુ તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. બંને કાર્યવાહીમાં પોલીસે કુલ 324 બોટલ દારૂ સહિત રૂ. 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રેલનગરમાંથી 240 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે એલસીબી ઝોન-2ના પીએસઆઈ એસ.વી. ચુડાસમાની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે રેલનગરની આસ્થા એવન્યુ સોસાયટીમાં રહેતો દિગ્વિજયસિંહ ગોહિલ બંધ બોડીની ટાટા માલવાહક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈને 150 ફૂટ રિંગ રોડ પર મોરબી બાયપાસ નજીક એડીબી હોટલ સામે મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થવાનો છે.
બાતમીના આધારે પોલીસે મેરી ગોલ્ડ હાઇટ્સ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટાટા ગાડીને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે 240 બોટલ, જેની કિંમત રૂ. 80,640 થાય છે, તેમજ વાહન સહિત કુલ રૂ. 1,80,640નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (ઉંમર 42)ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા શખ્સ સામે અગાઉ પણ દારૂના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ ગોવાથી દારૂનો જથ્થો લાવી સ્થાનિક સ્તરે છૂટક વેચાણ કરતો હોવાની માહિતી પણ સામે આવી છે.
કોઠારિયામાં દારૂ ભરેલી અર્ટિગા કાર મળી
બીજી કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી.પી. ઝાલાની ટીમના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ અને કરણભાઈ કોઠીવાળ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે કોઠારિયા મેઇન રોડ પર ગ્રીન પાર્ક ચારણવાડી પાછળના જાહેર પાર્કિંગમાં મારુતિ સુઝુકી અર્ટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસને જોઈ કાર પાસે હાજર શખ્સ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કારની ડેકીની તપાસ કરતાં વિમલના થેલા અને વાદળી રંગની પ્લાસ્ટિકની થેલીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 32,928 હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે દારૂ અને અર્ટિગા કાર સહિત કુલ રૂ. 4,32,928નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર થયેલા શખ્સને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં નવરાત્રિ બાદ દારૂની હેરાફેરી સામે પોલીસની આ બંને કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.










