રાજ્યમાં વીજ માંગ 29,822 મેગાવોટની ઐતિહાસિક સપાટીએ; નવેમ્બરથી કોલસાની રોજની 13થી 14 રેલવે રેક ઉપલબ્ધ કરાવવાની ખાતરી
ગાંધીનગરઃ ગુજરાતમાં વીજળીની સતત વધી રહેલી માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે પ્રયાસો તેજ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વીજળીની માંગ, પુરવઠો અને કોલસાની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ કોલસો પૂરો પાડવાની ખાતરી આપવામાં આવી છે. સાથે જ NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર મહિના માટે 329 મેગાવોટ વીજળીની ફાળવણી કરવામાં આવી છે.
વીજ માંગમાં 36.6 ટકાનો વધારો
રાજ્યમાં 16 ઓક્ટોબર, 2026ના રોજ અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં નોંધાયેલી 21,822 મેગાવોટની માંગની સરખામણીએ આ વખતે 36.6 ટકાનો વધારો થયો છે. આ જ દિવસે રાજ્યનો દૈનિક વીજ વપરાશ 574 મિલિયન યુનિટ રહ્યો હતો, જ્યારે ગત વર્ષે ઓક્ટોબરમાં તે 457 મિલિયન યુનિટ હતો. આમ, વીજ વપરાશમાં પણ આશરે 27 ટકાનો વધારો નોંધાયો છે.
ખેતી અને ઉદ્યોગોમાં વધતી માંગ
રાજ્યમાં કૃષિ ક્ષેત્રનો વીજભાર વધીને દૈનિક મહત્તમ 12,000 મેગાવોટ સુધી પહોંચ્યો છે. બીજી તરફ, દિવાળીના તહેવારો નજીક આવતાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી અને વીજળીની વધતી જરૂરિયાતને કારણે પુરવઠા પર દબાણ વધી રહ્યું છે. ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજળી પૂરી પાડવા માટે બેઠકમાં તાત્કાલિક પગલાં તથા લાંબા ગાળાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નવેમ્બરથી કોલસાની 13થી 14 રેલવે રેક મળશે
રાજ્યના વીજમથકોને પૂરતો કોલસો મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ને જરૂરી કોલસો પૂરો પાડવા દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ હતી. તેના પરિણામે કેન્દ્રીય કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી દરરોજ 10થી 11 રેલવે રેક અને નવેમ્બરથી દરરોજ 13થી 14 રેલવે રેક કોલસો પૂરો પાડવાની ખાતરી આપી છે.
રાજ્યનાં વીજમથકોમાં ઉપલબ્ધ કોલસાનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.
વીજળીની વધારાની ફાળવણી માટે પ્રયાસો
રાજ્ય સરકારની રજૂઆત બાદ NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર મહિના માટે 329 મેગાવોટ વીજળી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, આસામના કેન્દ્ર સરકારના વીજ ઉત્પાદનના ફાળામાંથી લાંબા ગાળા માટે 551 મેગાવોટ વીજળી પણ પ્રાપ્ત થઈ છે.
NTPCના બાઢ-I અને દાદરી-I થર્મલ પાવર સ્ટેશનમાંથી મળતી કુલ 716 મેગાવોટ વીજળી માટેના કરારની મુદત એક વર્ષ વધારીને માર્ચ 2028 સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારના વીજ ઉત્પાદનના અન-એલોકેટેડ ફાળામાંથી વધુ 500 મેગાવોટ વીજળી ફાળવવા માટે ગુજરાત સરકારે માંગણી કરી છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં વીજ માંગ સતત વધી રહી હોવાથી આગામી દિવસોમાં કોલસાનો પૂરતો પુરવઠો અને વધારાની વીજળીની ફાળવણી કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર નજર રહેશે.










