દાદરિયા ગામની કોપર સુગર મિલમાં ટાંકી તૂટતાં શ્રમિકો કાટમાળ નીચે દટાયા; શોધખોળ બાદ બે મૃતદેહ મળી આવ્યા
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલી સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી ધરાશાયી થતાં બે શ્રમિકોનાં કરુણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાને પગલે મિલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ નીચે શ્રમિકો દટાયા હોવાની આશંકાને પગલે તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બે શ્રમિકોના મૃતદેહ મળી આવતાં પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
કોપર સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી તૂટી પડી
મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાના દાદરિયા ગામમાં આવેલી કોપર સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ હતી. ટાંકી તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ મિલ પરિસરમાં દોડધામ મચી હતી અને કાટમાળમાં કોઈ શ્રમિક ફસાયો છે કે નહીં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
કાટમાળ નીચેથી બે શ્રમિકોના મૃતદેહ મળ્યા
લાંબી શોધખોળ બાદ કાટમાળ નીચેથી બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકો દાદરિયા અને કલકવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના મોભીઓનાં મોતથી બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. દુર્ઘટના બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા હતા.
શ્રમિકોની સુરક્ષા અંગે તપાસની માગ
સુગર મિલમાં બનેલી આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાઓ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. મૃતકોના પરિજનો દ્વારા ટાંકી ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા અને સંભવિત બેદરકારીની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. હવે સંબંધિત તંત્ર દ્વારા દુર્ઘટનાના કારણો અને સલામતીનાં પગલાં અંગે શું તપાસ હાથ ધરવામાં આવે છે તેના પર નજર રહેશે.










