સસરાની સારવાર માટે પરિવાર હોસ્પિટલમાં રોકાયો હતો ત્યારે તસ્કરો ત્રાટક્યા; સોના-ચાંદીના દાગીના, રોકડ અને લેપટોપ લઈ ફરાર
વડોદરાના દશરથ વિસ્તારમાં આવેલી રામા રેસીડેન્સીના એક ફ્લેટમાં તસ્કરોએ હાથફેરો કરી 30 લાખ રૂપિયાથી વધુની કિંમતનાં સોના-ચાંદીના દાગીના, રોકડ અને લેપટોપની ચોરી કરી હતી. પરિવારના સભ્યો સસરાની સારવાર માટે હોસ્પિટલમાં રોકાયા હતા ત્યારે તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવ્યો હતો. આ બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પરિવાર હોસ્પિટલમાં હતો ત્યારે તસ્કરો ત્રાટક્યા
રામા રેસીડેન્સીમાં રહેતા અને રાવપુરાની એક ખાનગી ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ સેટ્ટીએ પોલીસને જણાવ્યું હતું કે તેમના સસરાને સમા વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી તેઓ અને તેમનાં પત્ની છેલ્લા બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં તેમની દેખભાળ માટે રોકાયાં હતાં.
ગઈકાલે રાત્રે પણ તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે વહેલી સવારે એક પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ જણાવ્યું હતું કે તેમના ઘરનો દરવાજો પાછળથી બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ખોલવામાં મુશ્કેલી પડી રહી છે. આથી નીતિનભાઈએ અન્ય એક પાડોશીને ફોન કરીને દરવાજો ખોલાવવા જણાવ્યું હતું.
દરવાજાનો નકૂચો તૂટેલો, ઘરમાં સામાન વેરવિખેર
પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે પોતાના ફ્લેટના દરવાજાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો. અંદર તપાસ કરતાં તિજોરી સહિતનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તપાસ દરમિયાન સોનાના 23 તોલાથી વધુના દાગીના, 300 ગ્રામથી વધુ ચાંદીના દાગીના, રોકડા રૂ.37 હજાર અને લેપટોપ સહિતની ચીજવસ્તુઓ ગાયબ હોવાનું જણાયું હતું.
ફરિયાદ મુજબ, ચોરાયેલી ચીજવસ્તુઓની બજારકિંમત રૂ.30 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેની મૂળ કિંમત આશરે રૂ.10.50 લાખ દર્શાવવામાં આવી છે. બનાવની જાણ થતાં છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
15 દિવસ પહેલાં હેલી એવન્યુમાં પણ ચોરી
નોંધનીય છે કે આશરે 15 દિવસ પહેલાં ગોત્રી વિસ્તારમાં આવેલા હેલી એવન્યુના એક ફ્લેટમાં પણ આવી જ રીતે ચોરી થઈ હતી. ફાલ્ગુનીબેન ચવાણના બંધ ફ્લેટમાંથી તસ્કરો 18 તોલાથી વધુ સોનાનાં દાગીના, બે કિલો ચાંદી અને 2,500 અમેરિકન ડોલર સહિત અંદાજે રૂ.30 લાખની મત્તા ચોરી ગયા હતા.
આ અગાઉના બનાવમાં હજુ સુધી પોલીસને તસ્કરો અંગે કોઈ નક્કર સગડ મળ્યા ન હોવાનું જણાવાયું છે. હવે રામા રેસીડેન્સીમાં થયેલી ચોરી અને અગાઉના બનાવ વચ્ચે કોઈ કડી છે કે કેમ તે દિશામાં પણ તપાસ મહત્ત્વપૂર્ણ બની શકે છે. શહેરમાં બંધ ફ્લેટને નિશાન બનાવતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા અને અસલામતીની લાગણી ફેલાઈ છે.










