અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા દરોડા અને પેટ્રોલિંગ; રૂ.52,200ની કિંમતનો 261 લીટર દેશી દારૂ જપ્ત
જામનગર જિલ્લામાં દેશી દારૂના વેચાણ અને દૂષણ સામે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મેઘપર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પ્રોહિબીશન અંગે મેગા ડ્રાઇવ યોજીને લિસ્ટેડ બુટલેગરોના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં દેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે કુલ 11 કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એલ. બારસીયા, સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એમ. ગઢવી અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સંબંધિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા ઉપરાંત શંકાસ્પદ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
261 લીટર દેશી દારૂનો જથ્થો કબજે
પોલીસની મેગા ડ્રાઇવ દરમિયાન લિસ્ટેડ બુટલેગરોના સ્થળોએ તપાસ કરતાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 261 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ.52,200 થાય છે, તે કબજે કર્યો હતો. આ મામલે અલગ-અલગ 11 કેસ નોંધીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અન્ય સ્થળોએ પણ તપાસ
દરોડા દરમિયાન કેટલાક સ્થળોએ તપાસ કરતાં પ્રોહિબીશન સંબંધિત કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. તેમ છતાં પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. દેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે આવી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.










