ઓટના સમયે ટાપુ પર ફરવા ગયેલા ચાર બાળકો સહિત સાત લોકો અચાનક ભરતી આવતાં ઘેરાયા; દરિયાના પાણીમાંથી જીવના જોખમે કિનારે પહોંચ્યા
દમણના સી ફેજ જેટી નજીક દરિયામાં અચાનક ભરતી આવી જતાં ટાઈડલ આઇસ્લેટ પર ફરવા ગયેલા એક પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા હતા. પરિવારમાં ચાર બાળકોનો પણ સમાવેશ થતો હતો. દરિયાના પાણીથી ચારેય તરફ ઘેરાઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જોકે, તમામ સભ્યો દરિયાના પાણીમાંથી પસાર થઈ સુરક્ષિત રીતે કિનારે પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, ગુરુવારે એક પરપ્રાંતીય પરિવારના સાત સભ્યો સી ફેજ જેટી ખાતે ફરવા માટે પહોંચ્યા હતા. દરિયામાં ઓટ હોવાથી નજીકમાં ટાઈડલ આઇસ્લેટ એટલે કે નાનો ટાપુ દેખાતો હતો. પરિવારના સભ્યો મોજમસ્તી કરવા પગપાળા ટાપુ પર પહોંચી ગયા હતા અને ત્યાં સમય પસાર કરી રહ્યા હતા.
અચાનક ભરતી આવતાં ચારેય તરફ પાણી ફરી વળ્યું
પરિવારના સભ્યો ટાપુ પર હતા તે દરમિયાન દરિયામાં અચાનક ભરતી શરૂ થઈ હતી. જોતજોતામાં ટાપુની આસપાસ દરિયાનું પાણી ફરી વળતાં સાતેય સભ્યો ત્યાં ફસાઈ ગયા હતા. કિનારેથી આ દૃશ્ય જોઈ રહેલા અન્ય પર્યટકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.
ચારેય તરફ પાણી હોવાથી પરિવાર માટે કિનારે પરત ફરવાનો રસ્તો મુશ્કેલ બન્યો હતો. કોઈ અન્ય મદદ કે વિકલ્પ ન દેખાતાં પરિવારના સભ્યોએ જીવ બચાવવા દરિયાના પાણીમાં ઉતરીને કિનારા તરફ આગળ વધવાનું જોખમ લીધું હતું.
જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ કિનારે પહોંચ્યા
ભરતીના પાણી વચ્ચે પરિવારના સભ્યો કિનારા તરફ આગળ વધતાં ત્યાં હાજર પર્યટકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે ચાર બાળકો સહિત તમામ સાત સભ્યો હેમખેમ કિનારે પહોંચી ગયા હતા. આ રીતે મોટી હોનારત ટળી હતી.
સહેલાણીઓની બેદરકારી સામે કડક પગલાંની માગ
દરિયામાં ઓટના સમયે દેખાતા ટાપુઓ પર મોજમસ્તી કે સેલ્ફી લેવા જવું જોખમી બની શકે છે. ભરતી શરૂ થતાં આવા ટાપુઓ પાણીમાં ઘેરાઈ જાય છે અને પરત ફરવાનો માર્ગ બંધ થઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાકાંઠે ફરવા જતા સહેલાણીઓએ સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવી છે. આવી જોખમી જગ્યાઓ પર જતા લોકોને રોકવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.










