રૂ. 7 કરોડના ખર્ચે એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની તૈયારી; કામની ફાળવણીથી લઈને બઢતી અને તાલીમ અંગે પણ AI આપશે સૂચનો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કર્મચારીઓની કામગીરી પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવી સિસ્ટમ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે. આશરે રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થનારી આ એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમમાં કર્મચારીઓને કામ સોંપવાથી લઈને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવા સુધીની પ્રક્રિયામાં AIની મદદ લેવામાં આવશે. આ સિસ્ટમથી નિયમિત અને કાર્યદક્ષ કર્મચારીઓને પ્રોત્સાહન મળશે, જ્યારે બેદરકારી અને કામચોરી પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ થશે.
હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત અંદાજે 18થી 20 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમની કામગીરી, નિયમિતતા અને સિનિયોરિટી સહિતના મુદ્દે વારંવાર પ્રશ્નો ઊભા થતા હોય છે. હાલમાં કર્મચારીઓની હાજરી અને પગાર જેવી સામાન્ય બાબતો માટે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત છે. હવે આ વ્યવસ્થાને આગળ વધારી કર્મચારીઓના સમગ્ર મેનેજમેન્ટ માટે AI આધારિત પ્લેટફોર્મ તૈયાર કરવાનું આયોજન છે.
કામની ફાળવણી પણ AIના સૂચનથી થશે
નવી સિસ્ટમમાં કયા કર્મચારીને કયું કામ સોંપવું તે નક્કી કરવામાં AI મદદ કરશે. કર્મચારીઓની ક્ષમતા, કામનું ભારણ અને કામગીરીને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેક્ટ કે જવાબદારીઓની ફાળવણી માટે સૂચનો આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરીને તેમની બઢતી, તાલીમ અને અન્ય વહીવટી નિર્ણયોમાં પણ AIની ભલામણ ઉપયોગી બનશે.
ભવિષ્યમાં મ્યુનિ.ના કાયમી કર્મચારીઓની સંખ્યા વધીને 30 હજાર અને આઉટસોર્સ કર્મચારીઓની સંખ્યા 20 હજાર થાય તો પણ નવી સિસ્ટમ કુલ 50 હજાર કર્મચારીઓનું સંચાલન કરી શકે તેવી ક્ષમતા સાથે વિકસાવવાનું આયોજન છે.
કર્મચારીઓની ઈ-સર્વિસ બુક તૈયાર કરાશે
નવી સિસ્ટમમાં કર્મચારીઓની નિમણૂકથી લઈને નિવૃત્તિ સુધીની તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. તેની કામગીરી મુખ્યત્વે નીચે મુજબ રહેશે:
કર્મચારીઓનું પ્રોફાઇલિંગ: તમામ કર્મચારીઓના હોદ્દા, નિમણૂક, કામગીરીની પ્રક્રિયા, બઢતી અને નિવૃત્તિ સંબંધિત વિગતો સાથે સંપૂર્ણ પ્રોફાઇલ તૈયાર કરાશે.
ઈ-સર્વિસ બુક: કર્મચારીઓના અત્યાર સુધીના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરીને ઓનલાઈન ઈ-સર્વિસ બુક બનાવાશે.
ટાસ્ક મેનેજમેન્ટ: કર્મચારીની ક્ષમતા અને કામના ભારણના આધારે કોને કયું કામ કે પ્રોજેક્ટ સોંપવો તે નક્કી કરવામાં AIની મદદ લેવાશે.
કામનું મૂલ્યાંકન: કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર (KPI)ના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરીને બઢતી અને તાલીમ અંગે સૂચનો આપવામાં આવશે.
અગાઉની AI યોજનાઓના અમલ અંગે પણ સવાલ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ વિવિધ સેવાઓમાં AIનો ઉપયોગ કરવાની યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ યોજનાઓનો વાસ્તવિક અમલ કેટલો થયો છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગત માર્ચમાં ફરિયાદ નિવારણ પોર્ટલ CCRSને AI સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નાગરિકોની ફરિયાદો અને અધિકારીઓની કામગીરી પર AI દ્વારા નજર રાખવાનો દાવો કરાયો હતો. ત્યારબાદ AI આધારિત રોડ મેનેજમેન્ટ સિસ્ટમની પણ ચર્ચા થઈ હતી. આ વ્યવસ્થા હેઠળ રસ્તા પરના ખાડા, ભૂવા કે તૂટેલી ફૂટપાથના ફોટા અપલોડ કરતાં AI વિસ્તાર, વોર્ડ અને ઝોન ઓળખીને ફરિયાદ સંબંધિત અધિકારી સુધી પહોંચાડશે તેવી યોજના રજૂ કરવામાં આવી હતી.
જોકે, મહિનાઓ વીતી ગયા બાદ પણ આ બંને સિસ્ટમના અમલ અને પરિણામો અંગે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ મૂલ્યાંકન જાહેર કરાયું નથી. હવે નવી એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ કેટલી અસરકારક સાબિત થાય છે અને કર્મચારીઓની કામગીરીમાં કેટલો સુધારો લાવે છે તેના પર નજર રહેશે.










