એકસાથે પાંચ કાયદામાં સુધારા કરતો મહાખરડો વિધાનસભામાં રજૂ કરાશે
રાજકોટઃ ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં ઓમ્નિબસ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. વિવિધ કાયદાઓની જટિલતા ઘટાડવા, સરકારી નિયમોમાં સરળતા લાવવા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ સરળ બનાવવા માટે આ સર્વગ્રાહી કાયદો લાવવામાં આવશે. આ પ્રકારનું ઓમ્નિબસ બિલ લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.
સરકારનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં રહેલા બિનજરૂરી નિયંત્રણો અને કાનૂની જટિલતાઓ દૂર કરવાનો છે. ખાસ કરીને જ્યાં નિયમો અને પ્રક્રિયાઓને લઈને વધુ ફરિયાદો મળી રહી છે ત્યાં કાયદાઓની સમીક્ષા કરીને તેમાં જરૂરી સુધારા કરવામાં આવશે.
આ મહાખરડામાં શહેરી વિકાસ, ફાયર સેફ્ટી, કામદાર-રોજગાર, MSME, મેડિકલ રેગ્યુલેશન અને જાહેર સેવાઓ સાથે સંકળાયેલા કાયદાઓમાં સુધારા કરવામાં આવશે. વિવિધ કાયદાઓ વચ્ચેના વિરોધાભાસ દૂર કરી પરસ્પર સંકલન અને સરળતા લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
આ માટે ગુજરાત ફાયર સેફ્ટી એક્ટ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ગુજરાત માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ તેમજ જાહેર સેવાઓમાં નાગરિકોના અધિકારો સાથે સંકળાયેલા કાયદાઓમાં સુધારા થવાની શક્યતા છે.
સરકાર જૂના અને વર્તમાન સમયમાં ઉપયોગી ન રહેલા કાયદાઓ તથા નિયમોને દૂર કરવાની દિશામાં પણ કામગીરી કરી રહી છે. ઓમ્નિબસ બિલ દ્વારા વ્યાપાર-ઉદ્યોગ તેમજ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથે સંકળાયેલી કાનૂની પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવાનો પ્રયાસ થશે.
ગુજરાતમાં આગામી વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે અને ટેકનોલોજી, ઉત્પાદન તથા સર્વિસ ક્ષેત્રે નવા ઉદ્યોગોને આકર્ષવાની સરકારની તૈયારી વચ્ચે આ કાયદાકીય સુધારાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સરકારના આ પગલાથી કાયદા-નિયમોનો બોજો ઘટશે, પ્રક્રિયાઓ સરળ બનશે અને રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથે ઈઝ ઓફ લિવિંગને પણ વેગ મળવાની આશા છે.










