રાજકોટના વેપારીની જંતુનાશક દવાની ડુપ્લીકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગોંડલઃ ગોંડલ તાલુકાના ભુણાવા ગામ નજીક આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખેતીવાડીમાં વપરાતી જંતુનાશક દવાની ડુપ્લીકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. શાપર સ્થિત કંપનીની ‘પ્રોફેકો સુપર’ સહિતની જંતુનાશક દવાઓની નકલી દવા બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે રાજકોટના વેપારી કૌશિકભાઈ પરસોત્તમભાઈ ઠુંમરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જામકંડોરણાના જસાપર ગામના સનિત ભરત વરસાણી અને ગોંડલના ચરખડી ગામના સ્મિત ગિરધર લીલાને આરોપી બનાવવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, બંને આરોપીઓ પૈકી સનિત વરસાણી અગાઉ વર્ષ 2021-22 દરમિયાન ફરિયાદીની શાપર સ્થિત એફીલ્ડ ક્રોપ કેર કંપનીમાં નોકરી કરતો હતો. બાદમાં તેણે મિત્ર સ્મિત લીલા સાથે ભાગીદારીમાં ભુણાવા ગામના જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની શરૂ કરી હતી.

આ કંપનીમાં છેલ્લા આશરે છ મહિનાથી એફીલ્ડ ક્રોપ કેરની ‘પ્રોફેકો સુપર’ નામની જંતુનાશક દવાની ડુપ્લીકેટ તૈયાર કરી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતાં ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી.

પોલીસની હાજરીમાં કંપનીમાં તપાસ કરવામાં આવતા વિવિધ પ્રકારની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન અલગ-અલગ બોટલોમાં કુલ 41 બોટલ ડુપ્લીકેટ દવા, જેની કિંમત આશરે રૂ.25,680 હોવાનું સામે આવ્યું છે.

આ દવાઓ બનાવવા, રાખવા કે વેચાણ કરવા અંગે આરોપીઓ પાસે કોઈ લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કંપનીની નકલી દવાઓ બનાવી તેનું વેચાણ કરીને આર્થિક નુકસાન પહોંચાડવા ઉપરાંત ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ મામલે ગોંડલ તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai