ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ હન્ટ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી, બેંક એકાઉન્ટના શંકાસ્પદ વ્યવહારોની તપાસ શરૂ
ભાવનગર: સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવાના આરોપમાં કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા મ્યુલ હન્ટ અંતર્ગત નોંધાયેલી અલગ-અલગ ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, એક કેસમાં આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી તેમાં સાયબર ફ્રોડની ફરિયાદ સાથે સંકળાયેલી રૂ.3,36,750ની રકમ મેળવી સગેવગે કરી હતી. આ ઉપરાંત આ બેંક એકાઉન્ટમાં 1 ડિસેમ્બર 2024થી 4 માર્ચ 2026 દરમિયાન કુલ રૂ.11,52,72,196 જમા થયા હતા, જ્યારે તેમાંથી રૂ.11,43,67,628 ઉપાડવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ નાણાકીય વ્યવહારો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે સિદ્ધાંત સંજયભાઈ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે.
આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય ફરિયાદોમાં મહિપત દિનેશભાઈ બારૈયા, મહેશ દિનેશભાઈ ડાભી અને રાહુલ ગણેશભાઈ મકવાણા સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બેંક એકાઉન્ટ મારફતે થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની વધુ તપાસ શરૂ કરી છે.










