દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ હવે એક્શનના તબક્કેઃ ભાજપના અભ્યાસ વર્ગમાં ‘જેન-ઝી કનેક્ટ’ પર ભાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટઃ ગુજરાત ભાજપમાં સંગઠનની નવી રચના બાદ હવે રાજ્યભરમાં કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગો યોજાઈ રહ્યા છે. આ અભ્યાસ વર્ગોમાં ભાજપના ઇતિહાસ અને વિચારધારા સાથે હવે જેન-ઝી સાથે કનેક્ટ થવાની રણનીતિ પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે.

દિલ્હીના જંતર-મંતર ખાતેના તાજેતરના આંદોલન બાદ યુવાનો અને ખાસ કરીને જેન-ઝી સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવ્યા હોવાનું ભાજપના સંગઠન સ્તરે માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાની તાકાત અને યુવા વર્ગના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ પેઢી સાથે સીધું જોડાણ વધારવાની દિશામાં સંગઠન કામ કરી રહ્યું હોવાનું પક્ષના સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ‘મિશન જેન-ઝી’ માટેની રણનીતિ દિલ્હીના સ્તરેથી તૈયાર કરવામાં આવી છે અને તેને સંગઠનના તળિયા સુધી પહોંચાડવામાં આવી રહી છે. રાજકોટના પ્રભુ ફાર્મ ખાતે યોજાયેલા અભ્યાસ વર્ગમાં પણ કાર્યકર્તાઓને સંઘ પરિવાર અને ભાજપના ઇતિહાસ તથા વિચારધારા સાથે નવી પેઢી સાથે કનેક્ટ થવા માટેની રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાસ કરીને જેન-ઝી અને જેન-આલ્ફા વર્ગમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને લઈને ચર્ચા થઈ હતી. સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઊભા થતા નેગેટિવ નેરેટિવનો સામનો કરવા માટે પોઝિટિવ નેરેટિવ ઊભો કરવા કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કાર્યકર્તાઓને ખાસ કરીને Instagram સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય થવા અને સરકારની કામગીરી તથા વિકાસના મુદ્દાઓને યુવાનો સુધી પહોંચાડવા પર ભાર મૂકાયો હતો.

સાથે જ અગાઉની કોંગ્રેસ સરકારના સમયમાં પેપર લીક, શિક્ષણ, આરોગ્ય અને રસ્તાઓની સ્થિતિ જેવા મુદ્દાઓની તુલના વર્તમાન સરકારની કામગીરી સાથે કરીને લોકો સમક્ષ મૂકવા અંગે પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. યુવાનો અને તેમના પરિવારો હવે સરકારને લઈને પ્રશ્નો પૂછતા થયા છે ત્યારે નેગેટિવ નેરેટિવને તોડીને પોઝિટિવ પ્રચાર કેવી રીતે આગળ વધારવો તે અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું.

અભ્યાસ વર્ગમાં ગેરહાજરો પાસેથી લેખિત ખુલાસો માંગ્યો

ભાજપ દ્વારા યોજાયેલા અભ્યાસ વર્ગમાં અપેક્ષિત સંખ્યામાં હાજરી ન આપનારા અગ્રણીઓ પાસેથી લેખિતમાં ગેરહાજરીનું કારણ પૂછવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક આગેવાનો સોશિયલ મીડિયા પર સક્રિય હોવા છતાં સંગઠનના કાર્યક્રમોમાં એટલી જ સક્રિય હાજરી આપતા નથી. કેટલાક અગ્રણીઓ વક્તા તરીકેની ભૂમિકા ન મળતાં શ્રોતા તરીકે કાર્યક્રમમાં હાજર રહેવાનું પસંદ ન કરતા હોવાની ચર્ચા પણ છે.

ગેરહાજર રહેલા આગેવાનો પાસેથી કારણો માંગવામાં આવતા મોટાભાગના લોકોએ હોસ્પિટલ અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણો દર્શાવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, પક્ષના સૂત્રો મુજબ એકાદ-બે કિસ્સા સિવાય આ કારણોની ખરાઈ અંગે પ્રદેશ સંગઠન તરફથી પણ રિપોર્ટ માંગવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai