ચોટીલા: નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ લાવવા માટે ચોટીલા સબ-ડિવિઝનમાં જનસેવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર તરીકે બદલી થયા બાદના પ્રથમ સોમવારે યોજાયેલા નિયમિત મુલાકાતી દિવસે ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે 517થી વધુ નાગરિકો પહોંચ્યા હતા.
વિવિધ ગામો અને વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ વરસાદી પાણીના નિકાલ, જમીન વિવાદ, હદ-નિશાન, 7/12ના ઉતારા, જમીન વહેંચણી, જમીન પચાવી પાડવા, રસ્તા બંધ કરવા સહિતના વિવિધ મહેસૂલી અને સામાજિક પ્રશ્નોની રજૂઆતો કરી હતી. આ ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓ અને માતા-પિતાના ભરણપોષણ સહિતના મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
કામ વગર પણ નાયબ કલેક્ટરને મળવા પહોંચ્યા લોકો
મુલાકાતી દિવસની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે અનેક નાગરિકો કોઈ ફરિયાદ કે વહીવટી કામ વગર માત્ર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને મળવા અને શુભેચ્છા પાઠવવા કચેરીએ પહોંચ્યા હતા. તેમની બદલીના સમાચાર બાદ નાગરિકોએ આ રીતે લાગણી વ્યક્ત કરતાં અધિકારી અને લોકો વચ્ચેના આત્મીય સંબંધની ઝલક જોવા મળી હતી.
નાગરિકોની સંખ્યા મોટી હોવા છતાં દરેકની રજૂઆત સાંભળવા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાત્રે 12:30 વાગ્યા સુધી મુલાકાતીઓ સાથે વાતચીત કરી હતી. સ્થળ પર ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરાયો હતો, જ્યારે અન્ય અરજીઓ અંગે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે નાગરિકોના પ્રશ્નોનું સમયસર, નિયમોનુસાર અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે. સાથે જ નાગરિકોની વાત સાંભળવી અને તેમની લાગણીઓને સમજવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
517થી વધુ નાગરિકોની હાજરી અને રાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલેલી રજૂઆતોને કારણે ચોટીલાનો આ મુલાકાતી દિવસ ખાસ નોંધપાત્ર બન્યો હતો.










