વૈશ્વિક સપ્લાય ચેઈનથી AI સુધીઃ અમેરિકામાં ગુજરાતની તકો માટે મુખ્યમંત્રીની બેઠકો
વોશિંગ્ટન ડી.સી.: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027 પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાત ડેલિગેશન સાથે વિવિધ વૈશ્વિક કંપનીઓના અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણ, ટેક્નોલોજી, AI, સેમીકંડક્ટર અને વૈશ્વિક સપ્લાય ચેઈનના ક્ષેત્રોમાં નવી તકો અંગે ચર્ચા કરી રહ્યા છે.
અમેરિકાના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં મુખ્યમંત્રીએ વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. બેઠકમાં ગુજરાતના વિશાળ MSME ક્ષેત્ર અને નાના કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડીને નિકાસની તકો વધારવા અંગે ચર્ચા થઈ હતી.
વોલમાર્ટ દ્વારા 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ MSMEને તાલીમ આપવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું. 2028 સુધીમાં 1.70 લાખ MSMEને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. ગુજરાત સરકાર અને વોલમાર્ટ આગામી 3થી 4 મહિનામાં વર્કશોપ યોજી વિવિધ ક્ષેત્રોની સંભાવનાઓ ઓળખીને સંયુક્ત રીતે કામ કરશે. Vibrant Summit-2027માં આ માટે સ્પષ્ટ રોડમેપ રજૂ કરવાની દિશામાં પણ ચર્ચા થઈ હતી.
Google અને Micron સાથે ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ
સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાત ડેલિગેશને Google અને Micronની મુલાકાત લીધી હતી. Googleના વાઈસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ યુવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ ઉપરાંત કૃષિમાં પાક પેટર્ન, સોઈલ-ક્લાઈમેટ ડેટા અને ડેટા સિક્યુરિટીના ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહયોગ કરવાની તૈયારી દર્શાવી હતી.
Micronના ચેરમેન સંજય મેહરોત્રાએ સાણંદ ફેસિલિટી માટે 20 એકર જમીનની મંજૂરી માત્ર એક દિવસમાં આપવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને ગુજરાતના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી.
AIથી સેમીકંડક્ટર સુધી 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથે મંથન
અમેરિકા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ અને વન-ટુ-વન બેઠકો યોજી હતી.
ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને બિઝનેસ-ફ્રેન્ડલી અભિગમની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન અને વૈશ્વિક સપ્લાય ચેઈન માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જોવાનું આમંત્રણ આપ્યું હતું.
Vibrant Summit-2027માં ભાગ લેવા તેમજ B2B અને B2G બેઠકો દ્વારા ગુજરાતમાં નવી તકો શોધવા માટે વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Perplexityના CEO સાથે R&D અંગે ચર્ચા
મુખ્યમંત્રીએ Perplexityના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે પણ વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સિલિકોન વેલીના The Indus Entrepreneurs (TiE)ના સભ્યો સાથે પણ બેઠક યોજાઈ હતી. આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં નીતિ, નવીનતા અને ઉદ્યોગોની ભાગીદારીથી મજબૂત ઈકોસિસ્ટમ ઊભી કરવા અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી સાથેની બેઠકોમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.










