તહેવારોમાં વધેલી માંગ અને સપ્લાયની અછતને પગલે કિંમતોમાં વધારો; એક કિલો ઘી રૂ. 630થી વધીને રૂ. 680, 500 ગ્રામ બટર હવે રૂ. 325માં મળશે
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોંઘવારીનો વધુ એક માર સામાન્ય ગ્રાહકો પર પડ્યો છે. ડેરી ક્ષેત્રની અગ્રણી સહકારી સંસ્થા અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો કર્યો છે. તહેવારો દરમિયાન મીઠાઈ સહિતની વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘી અને બટરની માંગમાં મોટો વધારો થયો છે. બીજી તરફ, બજારમાં સપ્લાયની અછત સર્જાતાં કંપની દ્વારા કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
ઘી અને બટરના નવા ભાવ જાહેર
મળતી માહિતી મુજબ, અમૂલના એક કિલો ઘીનો ભાવ રૂ. 630થી વધારીને રૂ. 680 કરવામાં આવ્યો છે. જ્યારે 500 ગ્રામના ઘીના પાઉચની કિંમત રૂ. 325થી વધારીને રૂ. 345 કરવામાં આવી છે. બટરના ભાવમાં પણ વધારો થયો છે. 100 ગ્રામ બટરનો ભાવ રૂ. 63થી વધારીને રૂ. 66 અને 500 ગ્રામ બટરનો ભાવ રૂ. 310થી વધારીને રૂ. 325 કરવામાં આવ્યો છે.
પ્રોડક્ટ
જૂનો ભાવ
નવો ભાવ
1 કિલો ઘી
રૂ. 630
રૂ. 680
500 ગ્રામ ઘી
રૂ. 325
રૂ. 345
100 ગ્રામ બટર
રૂ. 63
રૂ. 66
500 ગ્રામ બટર
રૂ. 310
રૂ. 325
બ્રાન્ડેડ ઘીની માંગમાં વધારો
ગુજરાત અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ભેળસેળયુક્ત અને નકલી ડેરી પ્રોડક્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનામાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી આશરે બે લાખ કિલો નકલી ઘી પકડાયું હોવાના અહેવાલો છે. આ કાર્યવાહી બાદ ગ્રાહકોમાં જાણીતી બ્રાન્ડના ઘી તરફ વલણ વધ્યું છે. તેના કારણે બ્રાન્ડેડ ઘીની માંગમાં વધારો થયો છે, જ્યારે સપ્લાય પૂરતી ન હોવાથી બજારમાં અછતની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોના રિટેલ વેપારીઓના જણાવ્યા મુજબ, ગણેશોત્સવના સમયથી જ અમૂલના ઘીની અછત અનુભવાઈ રહી હતી. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કાશ્મીર સહિતના વિસ્તારોમાં પણ આવી સ્થિતિ હોવાના સંકેતો મળ્યા હતા.
દિવાળીમાં ઘીની માંગમાં મોટો ઉછાળો
દિવાળીના તહેવારમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય પરંપરાગત વાનગીઓ બનાવવા માટે ઘીનો વપરાશ નોંધપાત્ર રીતે વધે છે. વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ, ઘીના કુલ વપરાશમાં આશરે 45 ટકા હિસ્સો તહેવારોની સિઝન દરમિયાન રહે છે. આવી સ્થિતિમાં દિવાળી નજીક આવતાં માંગ વધવાથી સપ્લાય પર દબાણ ઊભું થયું છે. બટરનો વપરાશ પણ સતત વધી રહ્યો હોવાથી તેની ઉપલબ્ધતા અને કિંમતો પર પણ અસર પડી રહી છે.
અગાઉ GST ઘટાડા બાદ મળી હતી રાહત
કેન્દ્ર સરકારે અગાઉ ડેરી પ્રોડક્ટ્સ પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો. ત્યારબાદ અમૂલે પણ કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો. એક લિટર ઘીનો ભાવ રૂ. 650થી ઘટાડીને રૂ. 610 અને પાંચ લિટરના પેકની કિંમત રૂ. 3,275થી ઘટાડીને રૂ. 3,075 કરવામાં આવી હતી. તેવી જ રીતે 100 ગ્રામ બટરનો ભાવ રૂ. 62થી ઘટાડીને રૂ. 58 અને 500 ગ્રામ બટરનો ભાવ રૂ. 305થી ઘટાડીને રૂ. 285 કરવામાં આવ્યો હતો.
હવે તહેવારો પહેલાં થયેલા ભાવવધારાને કારણે ગ્રાહકોને ફરી વધુ કિંમત ચૂકવવી પડશે. અમૂલના ભાવવધારા બાદ ખાનગી ડેરીઓ પણ પોતાની કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરી શકે તેવી શક્યતા વેપારી વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. દિવાળીના બજારમાં મીઠાઈ અને અન્ય ખાદ્ય સામગ્રીના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે.









