67 વર્ષીય અરજદારને નીચલી કોર્ટની ત્રણ વર્ષની મર્યાદામાંથી મુક્તિ; વિદેશ પ્રવાસ માટે ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની શરત યથાવત
ગુજરાત હાઇકોર્ટે ફોજદારી કેસમાં આરોપી તરીકે સંડોવાયેલા એક 67 વર્ષીય વ્યક્તિને પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાની મંજૂરી આપતો મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફોજદારી કેસ પેન્ડિંગ હોવાના આધારે પાસપોર્ટની મુદત ઘટાડવી યોગ્ય નથી. આ સાથે હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા પાસપોર્ટ રિન્યુઅલ માટે નક્કી કરાયેલી ત્રણ વર્ષની મર્યાદામાં સુધારો કર્યો છે.
છેતરપિંડી અને કાવતરાના કેસમાં આરોપી
મામલાની વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાને લગતો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 67 વર્ષીય મોહમ્મદ ઈકબાલ ગનીભાઈ મેઘરેજી આરોપી છે. તેમણે પોતાનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાની મંજૂરી માગી હતી.
જોકે, સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તેમને માત્ર ત્રણ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય સામે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ધંધાકીય કામ અને પરિવારના કારણે વિદેશ પ્રવાસની જરૂરિયાત
અરજદાર તરફથી વકીલ યશ જે. પટેલે રજૂઆત કરી હતી કે અરજદારને ધંધાકીય કામકાજ માટે વારંવાર વિદેશ જવું પડે છે. ઉપરાંત, તેમનાં સંતાનો પણ વિદેશમાં સ્થાયી થયેલાં હોવાથી તેમને પરિવારને મળવા માટે પણ પ્રવાસ કરવાની જરૂર પડે છે. માત્ર કેસ પેન્ડિંગ હોવાના કારણે પાસપોર્ટની મુદત ત્રણ વર્ષ સુધી મર્યાદિત રાખવી યોગ્ય નથી તેવી દલીલ કરવામાં આવી હતી.
પાસપોર્ટ ઓફિસની દલીલ હાઇકોર્ટે ફગાવી
સુનાવણી દરમિયાન રિજનલ પાસપોર્ટ ઓફિસર તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે અરજદારે હજુ પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ રિન્યુઅલ માટે અરજી કરી નથી, તેથી હાઇકોર્ટમાં કરાયેલી અરજી વહેલી છે. જોકે, હાઇકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી.
અદાલતે નોંધ્યું હતું કે અરજદાર સામે કેસ પેન્ડિંગ હોવાથી પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ અરજી કરતાં પહેલાં સક્ષમ કોર્ટની મંજૂરી લેવી જરૂરી બને છે. તેથી અરજદાર દ્વારા અગાઉથી કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષની મર્યાદા બદલીને 10 વર્ષનો આદેશ
મામલાની સુનાવણી જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ હાથ ધરી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે સામાન્ય સંજોગોમાં પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ થતો હોય છે, ત્યારે માત્ર કેસ પેન્ડિંગ હોવાના કારણે તેની મુદત ઘટાડવી યોગ્ય નથી. આથી હાઇકોર્ટે નીચલી કોર્ટના ત્રણ વર્ષના આદેશમાં સુધારો કરીને પાસપોર્ટ ઓથોરિટીને અરજદારનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવા આદેશ આપ્યો હતો.
વિદેશ જતાં પહેલાં ટ્રાયલ કોર્ટની મંજૂરી ફરજિયાત
હાઇકોર્ટે પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાની મંજૂરી આપવાની સાથે એક મહત્ત્વપૂર્ણ શરત પણ મૂકી છે. અરજદારે ભારત છોડીને વિદેશ જતાં પહેલાં ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે. ટ્રાયલ કોર્ટ કાયદા અનુસાર પ્રવાસ માટે જરૂરી યોગ્ય શરતો લાદી શકશે.
આમ, હાઇકોર્ટના આ આદેશથી અરજદારને પાસપોર્ટની મુદત અંગે રાહત મળી છે, પરંતુ વિદેશ પ્રવાસ માટે ટ્રાયલ કોર્ટની મંજૂરી લેવાની જવાબદારી યથાવત રાખવામાં આવી છે.









