રાજ્યભરમાં ફૂડ સેફ્ટી સામે તંત્રની મોટી કાર્યવાહી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યના 187 રેસ્ટોરન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ ત્રાટક્યુંઃ રાજકોટમાં 3 સહિત 6 રેસ્ટોરન્ટ સીલ
137 રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવાના આદેશ, 40ને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ; 4ના લાયસન્સ સસ્પેન્ડ

ગાંધીનગર: રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં એકસાથે 187 રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંભીર અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા 137 રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ હાથ ધરાયેલી તપાસ અને કાર્યવાહી અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.

6 રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યા

તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરનારા રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે રેસ્ટોરન્ટ, રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદ જિલ્લામાં ત્રણ રેસ્ટોરન્ટ મળી કુલ 6 રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 40 રેસ્ટોરન્ટને તેમની ખામીઓ સુધારવા માટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, જ્યારે ચાર રેસ્ટોરન્ટના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરતમાં પણ તંત્રની મોટી કાર્યવાહી

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમો દ્વારા શહેરના તમામ ઝોનમાં 209 હોટેલ-રેસ્ટોરન્ટ અને 34 ઢાબામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન કિચનની સ્વચ્છતા, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ડેરી પ્રોડક્ટ્સ અંગેના ડિસ્પ્લે બોર્ડ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 548 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

128ને નોટિસ, રૂ.4.43 લાખનો દંડ

સુરતમાં તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરનારા 128 હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી. તેમની પાસેથી કુલ રૂ.4,43,800નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.

આ ઉપરાંત સાફ-સફાઈમાં ગંભીર ખામીઓ જોવા મળતાં 43 હોટેલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવ્યા છે.

ફૂડ સેફ્ટીને લઈને રાજ્યભરમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીથી રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતી બેદરકારી સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai