નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાની પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026નો પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ફૂડ સેક્ટરનું અર્થતંત્રમાં રૂ.5.69 લાખ કરોડનું યોગદાનઃ EVના ઉપયોગથી ડિલિવરી ખર્ચ ઘટાડવા હર્ષ સંઘવીનો અનુરોધ

અમદાવાદ: નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026નો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ દેશના અર્થતંત્રમાં ફૂડ અને ફૂડ રિલેટેડ બિઝનેસના મહત્વને રેખાંકિત કર્યું હતું.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના કુલ અર્થતંત્રમાં ફૂડ અને ફૂડ રિલેટેડ બિઝનેસનું અંદાજે રૂ.5.69 લાખ કરોડનું યોગદાન છે, જે આગામી સમયમાં વધીને રૂ.7.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ ક્ષેત્રમાં હાલ 75 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે અને ટૂંક સમયમાં આ સંખ્યા એક કરોડને પાર જવાની શક્યતા છે.

EVના ઉપયોગથી ડિલિવરી ખર્ચ ઘટાડવા અનુરોધ

નાયબ મુખ્યમંત્રીએ રિન્યુએબલ એનર્જીના યુગમાં રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ક્ષેત્રે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતના રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ ડિલિવરી સાથે સંકળાયેલા લોકોને પેટ્રોલ વાહનોની જગ્યાએ EV અપનાવવા અનુરોધ કર્યો હતો.

તેમના જણાવ્યા મુજબ EVના ઉપયોગથી ફૂડ ડિલિવરીનો ખર્ચ પ્રતિ કિલોમીટર રૂ.2.50થી ઘટીને આશરે 50 પૈસા સુધી આવી શકે છે. આથી સંચાલકોને આર્થિક બચત થવાની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકે છે.

ગુજરાતમાં ફૂડ બિઝનેસ માટે નવી તકો

હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સાકાર થયેલા GIFT Cityનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અહીં ફૂડ સેક્ટર માટે અનેક તકો રહેલી છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ, ધરોઈ ડેમ, કચ્છનું સફેદ રણ અને ગીર જેવા પ્રવાસન સ્થળોએ પણ ફૂડ બિઝનેસ વિકસાવવા માટે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા આ ક્ષેત્રમાં જરૂરી માળખાકીય સુવિધાઓ અને સંપૂર્ણ સહયોગ પૂરો પાડવાની ખાતરી પણ તેમણે આપી હતી.

30થી વધુ શહેરોના 5 હજારથી વધુ લોકો જોડાયા

સમિટમાં દેશના 30થી વધુ શહેરોમાંથી 1,500થી વધુ બ્રાન્ડ સાથે સંકળાયેલા 5,000થી વધુ લોકો વિવિધ સત્રો અને કાર્યશાળાઓમાં જોડાયા હતા. કાર્યક્રમમાં ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે NRAIના પ્રેસિડેન્ટ સાગર દરિયાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અમદાવાદ ચેપ્ટર હેડ આનલ કોટેચાએ ઉપસ્થિત મહેમાનો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. NRAIના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ કુંગટા, કો-ચેપ્ટર હેડ દિલીપ ઠક્કર, ટ્રેઝરર ચિરાયુ અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ પાઠક અને દર્શન દાસાણી સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai