શ્રાવણ માસમાં ભેળસેળિયા તત્વો સામે સરકારની લાલ આંખ શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારાઓની હવે ખેર નહીંઃ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર: શ્રાવણ માસ દરમિયાન નાગરિકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખાદ્યસામગ્રીમાં ભેળસેળ કરનારાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો દ્વારા ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ સહિતની ખાદ્યસામગ્રીના નમૂના લઈ તપાસ કરવામાં આવી રહી છે. ભેળસેળયુક્ત અને નકલી જથ્થો મળી આવે ત્યાં જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બનાવટી ઘી વેચનારાઓ સામે કડક કાર્યવાહી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને અપીલ કરી છે કે શક્ય હોય ત્યાં સુધી ખાદ્યસામગ્રી ઘરે જ બનાવવી અથવા પ્રમાણિક વ્યક્તિ, માન્ય કંપની કે ગૃહ ઉદ્યોગ પાસેથી જ ખરીદવી.

તેમણે ખાસ કરીને ‘પૂજા માટેનું ઘી’ જેવા લેબલ જોઈને માત્ર શ્રદ્ધાના કારણે ખરીદી ન કરવા ચેતવણી આપી હતી. કેટલાક કિસ્સામાં આવા ઘીમાં પણ ભેળસેળ હોવાની શક્યતા હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા બનાવટી ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા તત્વોની ફેક્ટરીઓ શોધી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સસ્તું દૂધ-ઘી મળે તો સાવધાન!

મંત્રીએ નાગરિકોને ચેતવતા કહ્યું કે જો બજારમાં સહકારી મંડળીઓ અથવા જાણીતી સ્ટાન્ડર્ડ બ્રાન્ડના નિયત ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે દૂધ કે ઘી મળતું હોય તો તે શંકાસ્પદ હોઈ શકે છે. આવા સસ્તા ઉત્પાદનોની લાલચમાં આવીને ખરીદી ન કરવાની અપીલ કરવામાં આવી છે.

વધુ નફાની લાલચમાં ખાદ્યસામગ્રીમાં ભેળસેળ કરનાર વેપારીઓ સામે સરકાર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

નકલી ડેરી પ્રોડક્ટ્સ સામે ચેકિંગ ચાલુ રહેશે

‘ભેળસેળ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો આગામી દિવસોમાં પણ સઘન તપાસ ચાલુ રાખશે. અનધિકૃત રીતે બનાવટી ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ દરમિયાન અનાલોગ પનીર, ચીઝ, માવો અને બટર સહિતના બનાવટી ડેરી ઉત્પાદનોના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ પર પણ તંત્રની ખાસ નજર રહેશે. રાજ્ય સરકારની કાર્યવાહી સાથે નાગરિકો પણ જાગૃત બને અને શંકાસ્પદ ખાદ્યસામગ્રીની ખરીદી ટાળે તે માટે અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai