રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં રોડની હાલત મુદ્દે અધિકારીઓ ઘેરાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કોર્પોરેટરોનો પડકારઃ ‘બોર્ડમાંથી સીધા વોર્ડમાં આવો, રોડની વાસ્તવિક સ્થિતિ જોઈ લો’

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના રોડ-રસ્તાની કથળેલી હાલતનો મુદ્દો ગરમાયો હતો. વરસાદ બાદ રસ્તાઓને નુકસાન ન થયું હોવાનો અધિકારીઓનો રિપોર્ટ સામે આવતા કોર્પોરેટરોએ જ આ રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા હતા.

વોર્ડ નં.13ના કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ માયાણી ચોક, અશોક ગાર્ડન રોડ, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં રસ્તાની હાલત ખરાબ હોવાનું જણાવી અધિકારીઓને બોર્ડમાંથી સીધા વોર્ડમાં આવીને વાસ્તવિક સ્થિતિ જોવા પડકાર્યો હતો. મેયર ડો. નેહલ શુક્લે મામલો ગંભીરતાથી લઈ વોર્ડ નં.7 અને 13માં સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરવા ઇજનેરોને સૂચના આપી હતી.

મેયરે અધિકારીઓ પાસેથી રિપોર્ટ અંગે સ્પષ્ટતા માંગતા જણાવ્યું હતું કે જો અધૂરો કે ખોટો રિપોર્ટ રજૂ થયો હોય તો જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.

BRTSની આવક-ખર્ચનો હિસાબ પણ ચર્ચામાં

વોર્ડ નં.5ના કોર્પોરેટર સંજય ચાવડાએ BRTS બસોની આવક, સંચાલન અને મુસાફરોની વિગતો માંગી હતી. જવાબમાં 2023-24માં રૂ.2.57 કરોડનો નફો, 2024-25માં રૂ.1 કરોડનો નફો અને 2025-26માં રૂ.1.19 કરોડની ખોટ દર્શાવવામાં આવી હતી. જોકે, સરકારી ગ્રાન્ટને ધ્યાનમાં લેતા સેવા એકંદરે નફાકારક હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સીટી બસને AIIMS સુધી જોડવાની તૈયારી

કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સીટી બસ સેવા હોસ્પિટલથી AIIMS સુધી જોડવા માટે ટૂંક સમયમાં દર 50 મિનિટે બસ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ભવિષ્યમાં આરોગ્ય કેન્દ્રો સાથે પણ બસ કનેક્ટિવિટી વધારવાની યોજના છે.

રાત્રિ સફાઈના મશીનો છ મહિનાથી બંધ હોવાનો મુદ્દો

કોંગ્રેસના મકબુલ દાઉદાણીએ આજી રિવરફ્રન્ટ અને ગાંડીવેલ વિસ્તારમાં સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. રૂ.1.60 કરોડના ખર્ચે ખરીદાયેલા સફાઈ મશીનો પૈકી કેટલાક મશીનો છ મહિનાથી બંધ હોવા છતાં યોગ્ય ચેકિંગ અને કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મેયરે આગામી બોર્ડમાં સમગ્ર મામલે જવાબ રજૂ કરવા સૂચના આપી હતી.

‘બોર્ડમાં ટાઈમપાસ નહીં ચાલે’

મેયર ડો. નેહલ શુક્લે અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી હતી કે બોર્ડમાં માત્ર ખાતરી આપવાથી કામ નહીં ચાલે. અગાઉની સભામાં અધિકારીઓએ આપેલી ખાતરી અને સમયમર્યાદા મુજબ કામગીરી પૂર્ણ થઈ હોય તેનો લેખિત રિપોર્ટ આગામી બોર્ડમાં રજૂ કરવો પડશે.

આ ઉપરાંત કોર્પોરેશનના વકીલોની નિમણૂક, નવી એનિમલ હોસ્ટેલ માટે જમીન કપાત અને અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ કોર્પોરેટરોએ અધિકારીઓને ઘેર્યા હતા. સમગ્ર સભામાં પ્રજાના પ્રશ્નો અંગે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ રજૂઆતો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai