અમરેલી: દારૂનો ધંધો છોડી દીધા બાદ પણ વ્યક્તિને ફરી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરી, નહીં તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.5,000ની લાંચ માંગવાના આક્ષેપમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ASI ACBના છટકામાં રંગેહાથ ઝડપાયો છે.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI શ્યામભાઈ અનંતરાય બગડા સામે લાંચની ફરિયાદ મળ્યા બાદ અમરેલી ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, દારૂનો ધંધો છોડી ચૂકેલા એક વ્યક્તિને ASI દ્વારા ફરીથી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને તેમ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.5,000ની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદના આધારે ACBની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ASI શ્યામભાઈ બગડા રૂ.5,000ની લાંચ સ્વીકારતા ACBના છટકામાં ઝડપાઈ ગયા હતા.
ACBની કાર્યવાહીને પગલે ASI સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારી સામે જ લાંચની માંગણી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીના આક્ષેપો સામે આવતાં પોલીસ વિભાગમાં પણ ચર્ચા જાગી છે.










