દર 50 કિ.મી.એ ટ્રોમા સુવિધા કેમ નહીં? ગુજરાત હાઈકોર્ટનો NHAIને સવાલ
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર અને રેસ્ક્યુ સુવિધા મળી રહે તે મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અકસ્માતના પ્રથમ એક કલાકને ‘ગોલ્ડન અવર’ ગણવામાં આવે છે ત્યારે આ સમયગાળામાં યોગ્ય સારવાર અને રેસ્ક્યુ ન મળે તો ઈજાગ્રસ્તનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટેની માર્ગદર્શિકાના અમલ અંગે સવાલો ઉઠ્યા હતા. માર્ગદર્શિકા મુજબ હાઈવે પર દર 50 કિલોમીટરની અંદર ટ્રોમા સુવિધા તથા દર 100 કિલોમીટરે લેવલ-4 ડેઝિગ્નેટેડ ટ્રોમા સેન્ટર ઉપલબ્ધ હોવાની જોગવાઈ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
= હોસ્પિટલ જ નહીં, રેસ્ક્યુ ટીમ પણ જરૂરી
અકસ્મત બાદ ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢવા માટે તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ સાથેની એમ્બ્યુલન્સ ઉપરાંત ક્રેન, કટર અને અન્ય જરૂરી રેસ્ક્યુ સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ.
હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે અકસ્માતગ્રસ્ત વાહનોમાંથી ઈજાગ્રસ્તોને અયોગ્ય અથવા બિન-તકનીકી રીતે બહાર કાઢવામાં આવે તો ગંભીર ઈજા વધી શકે છે અને કેટલાક કિસ્સામાં જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે.
આથી હાઈવે પર માત્ર હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર હોવું પૂરતું નથી, પરંતુ પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમ અને આધુનિક સાધનો પણ તૈનાત હોવા જરૂરી છે.
= સૌરાષ્ટ્રના હાઈવેનો વાસ્તવિક ડેટા રજૂ કરવા આદેશ
હાઈકોર્ટે હાઈવે ઓથોરિટીને ભરૂચ-સુરત-દહીસર હાઈવે કોરિડોર ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના હાઈવે સ્ટ્રેચ પર ઉપલબ્ધ ટ્રોમા સુવિધાઓ અને એમ્બ્યુલન્સની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.
સાથે જ અત્યાર સુધીમાં નોંધાયેલા અકસ્માતોનો વાસ્તવિક ડેટા પણ સોગંદનામા મારફતે રજૂ કરવા જણાવાયું છે.
= બ્લેક સ્પોટ દૂર કરવા પણ ટકોર
હાઈકોર્ટે હાઈવે પરના બ્લેક સ્પોટ્સ દૂર કરવા અને NHAIના વેબપેજ પર અકસ્માતો સંબંધિત ડેટા જાહેર કરવા પણ ટકોર કરી છે.
અકસ્મત બાદ સમયસર રેસ્ક્યુ અને સારવાર ન મળવાથી કોઈનો જીવ ન જાય તે માટે હાઈવે પરની વ્યવસ્થા ખરેખર જમીની સ્તરે અમલમાં છે કે નહીં તેની ચકાસણી હવે મહત્વપૂર્ણ બની છે.
આ મામલે વધુ સુનાવણી 18મી તારીખે હાથ ધરાશે.










