રાજ્યની શાળાઓમાં ધોરણ 6 અને 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોને લઈને રાજકોટ શહેર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા અને ડો. ભરતભાઈ કોયાણીએ દાવો કર્યો હતો કે બંને ધોરણના સંસ્કૃત પુસ્તકોમાં 150થી વધુ ગંભીર ક્ષતિઓ સામે આવી છે અને વારંવાર રજૂઆતો છતાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
= ધો.6માં 52થી વધુ, ધો.8માં 100થી વધુ ભૂલોનો દાવો
કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ ધોરણ 6ના સંસ્કૃત પુસ્તકમાં 52થી વધુ, જ્યારે ધોરણ 8ના પુસ્તકમાં 100થી વધુ ક્ષતિઓ હોવાનું પુરાવા સાથે સામે આવ્યું છે.
કોંગ્રેસે આને માત્ર શૈક્ષણિક ભૂલ નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડા ગણાવ્યા છે અને પુસ્તકો પાછળ ખર્ચાયેલા જાહેર નાણાં અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
= એક વર્ષથી વધુ સમયથી રજૂઆતોનો દાવો
ડો. ભરતભાઈ કોયાણીએ 15 એપ્રિલ 2025ના રોજ ધોરણ 8ના સંસ્કૃત પુસ્તકની ક્ષતિઓ અંગે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો છે.
જવાબ ન મળતાં 17 સપ્ટેમ્બર 2025ના રોજ RTI કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ 24 સપ્ટેમ્બર 2025ના જવાબમાં તંત્રએ કેટલીક ક્ષતિઓ સ્વીકારી હતી અને વેબસાઈટ પર સુધારા મૂક્યા હતા, પરંતુ છપાયેલા પુસ્તકોમાં સુધારો થયો નહોતો.
ત્યારબાદ 7 નવેમ્બર 2025ના રોજ ધોરણ 6 અને 8 બંનેના પુસ્તકો અંગે ફરી રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
= જૂના પુસ્તકો પર 2026નું સ્ટીકર લગાવ્યાનો આક્ષેપ
કોંગ્રેસે સૌથી ગંભીર આક્ષેપ એ કર્યો છે કે સુધારેલા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ થવા છતાં કેટલીક સરકારી શાળાઓમાં 2025ના જૂના અને ક્ષતિગ્રસ્ત પુસ્તકો પર 2026નું સ્ટીકર અથવા સાલ લગાવીને વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યા.
રાજકોટની સરકારી સ્કૂલ નંબર 93 તેમજ રાજકોટ-જૂનાગઢ વિસ્તારમાં આવેલી કેટલીક સરકારી શાળાઓની મુલાકાત દરમિયાન આ બાબત સામે આવી હોવાનો કોંગ્રેસનો દાવો છે.
જો આ આક્ષેપ સાચો સાબિત થાય તો વિદ્યાર્થીઓને જૂની ક્ષતિઓવાળા પુસ્તકો જ આપવામાં આવ્યા હોવાનો ગંભીર મુદ્દો ઊભો થાય છે.
= પોલીસ કમિશનરથી મુખ્યમંત્રી સુધી રજૂઆત
આ મામલે ડો. ભરતભાઈ કોયાણીએ 19 જુલાઈ 2026ના રોજ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હોવાનું અને 23 જુલાઈએ મોટા મવા પોલીસ ચોકીમાં નિવેદન નોંધાવ્યું હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ 27 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 10 ઓગસ્ટે ફરી RTI અને 12 ઓગસ્ટે પાઠ્યપુસ્તક મંડળ સમક્ષ પુસ્તકો બદલવાની માંગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
= શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
રાજકોટ શહેર કોંગ્રેસે આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં જો વિદ્યાર્થીઓને ભૂલવાળા પુસ્તકો આપવામાં આવ્યા હોય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ.
કોંગ્રેસે સરકારી અને ખાનગી શાળાઓમાંથી ધોરણ 6 અને 8ના ભૂલવાળા પુસ્તકો તથા કથિત સ્ટીકરવાળા પુસ્તકો 20 દિવસમાં પરત ખેંચી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સાચા પુસ્તકો આપવાની માંગ કરી છે.
= માંગ નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
પ્રેસ કોન્ફરન્સમાં ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો ભૂલવાળા પુસ્તકો તાત્કાલિક પરત ખેંચવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
પુસ્તકોમાં રહેલી ક્ષતિઓ, જૂના પુસ્તકો પર નવા વર્ષની ઓળખ લગાવવાના આક્ષેપો અને જવાબદારી નક્કી કરવાની માંગને લઈને હવે શિક્ષણ તંત્ર સામે મોટો સવાલ ઊભો થયો છે.










