અમદાવાદમાં નકલી દવાના વેચાણ સામે તંત્રનો સપાટો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

30થી વધુ મેડિકલ સ્ટોર-એજન્સીમાં તપાસ : રૂ.1.70 લાખની શંકાસ્પદ દવાઓનો જથ્થો પ્રતિબંધિત

નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મળેલી બાતમીના આધારે 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

= Nicardia Retard 10ની ડુપ્લિકેટ દવાની બાતમી

તંત્રને માહિતી મળી હતી કે J.B. Chemicals & Pharmaceuticals Ltd., ભરૂચ દ્વારા ઉત્પાદિત Nicardia Retard 10 Tablets, Batch No. ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વેચાઈ રહી હોવાની શક્યતા છે.

આ બાતમીના આધારે તપાસનો વ્યાપ અમદાવાદ ઉપરાંત નડિયાદ, ભાવનગર, સુરત અને ભુજ સુધી લંબાવવામાં આવ્યો છે.

= 1,250 ટેબ્લેટ જપ્ત

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 30થી વધુ મેડિકલ સ્ટોર, એજન્સી અને પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે.

નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી ઉપરોક્ત બેચની 660 ટેબ્લેટ મળી આવી હતી. તેને નિયત નમૂના તરીકે જપ્ત કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

આ ઉપરાંત પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સી મારફતે ભાવનગરની રોટરી ટીમ્બી મેડિકલ સ્ટોરને સપ્લાય કરાયેલી આ જ દવાની 590 ટેબ્લેટ પણ જપ્ત કરવામાં આવી છે.

આમ કુલ 1,250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે.

= અન્ય શંકાસ્પદ દવાઓનો રૂ.1.70 લાખનો જથ્થો પ્રતિબંધિત

તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. વિવિધ બેચની Nicardia Retard 20, Nicardia Retard 10, Cilacar 5, Cilacar 10 અને Cilacar TM 50 સહિત અંદાજે રૂ.1.70 લાખના દવાના જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

= સપ્લાય ચેન સુધી તપાસનો રેલો

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન અંગે પણ વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા દવાના ખરીદ-વેચાણના રેકોર્ડ, સપ્લાય ચેન અને સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ ઉપરાંત સુરત અને ભુજમાં પણ વિવિધ મેડિકલ સ્ટોર અને ડિસ્ટ્રિબ્યુટરોની તપાસ હાથ ધરવામાં આવી છે.

= ઉત્પાદક સુધી તપાસ પહોંચાડાશે

તંત્ર દ્વારા સમગ્ર સપ્લાય ચેનની તપાસ ચાલુ રાખવામાં આવી છે. તપાસનો વ્યાપ દવાના ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે.

જો તપાસમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા બનાવટી અથવા ગેરકાયદેસર દવાના વેપારમાં સંડોવાયેલી હોવાનું બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે રાજ્યમાં હવે તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai