ગીર બહાર સિંહોના વિસ્તરણને મળ્યો નવો માર્ગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

2019માં રાજકોટમાં દેખાયો સિંહ, હવે સાત વર્ષે 150 કિ.મી.નો કોરિડોર ઓળખાયો : હિંગોળગઢ-રામપરા બની શકે નવું ઘર

ગીર વિસ્તારમાં સિંહોની વધતી વસતી વચ્ચે હવે એશિયાટિક સિંહો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ સતત આગળ વધી રહ્યા છે. રાજકોટ સુધી સિંહોની અવરજવર નોંધાયા બાદ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ગુજરાત વન વિભાગે આશરે 150 કિલોમીટર લાંબો સિંહ મૂવમેન્ટ કોરિડોર ઓળખ્યો છે.

= શેત્રુંજીથી હિંગોળગઢ થઈ રામપરા સુધી સિંહોની ‘સોલો સફર’

સિંહોના મહત્વના મૂવમેન્ટ રૂટમાં શેત્રુંજી-હિંગોળગઢ-રામપરા કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટના હિંગોળગઢથી સુરેન્દ્રનગરના રામપરા સુધીનો વિસ્તાર ભવિષ્યમાં સિંહોના નવા વસવાટ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસ મુજબ સિંહોની વસતી વધવાની સાથે તેમનો ભૌગોલિક વિસ્તાર પણ વિસ્તરી રહ્યો છે.

= 2019માં પ્રથમ વખત રાજકોટ તરફ સિંહ આવ્યો

નવેમ્બર 2019માં એક સિંહે આશરે 100 કિલોમીટરનું અંતર કાપીને રામપરા સુધી પહોંચ્યો હતો. તે સમયે અહીં કાયમી વસવાટની સ્થિતિ સર્જાઈ નહોતી.

જોકે નિષ્ણાતોના મતે સિંહની આ અવરજવર નવા વસવાટની શોધ તરફનો કુદરતી સંકેત હતી. ત્યારબાદ જસદણ અને રાજકોટ વિસ્તારમાં પણ સિંહોની હાજરી નોંધાઈ હતી.

= 11 કોરિડોરની ઓળખ

રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સિંહોની અવરજવર માટે 11 કોરિડોર ઓળખ્યા છે.

આ પૈકી બે મોટા કોરિડોર ગીરની બહાર સિંહોના વસવાટની સંભાવનાઓ દર્શાવે છે. શેત્રુંજી-હિંગોળગઢ-રામપરા પટ્ટો પણ આ દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

= કુદરતી કોરિડોરમાં વિઘ્ન નહીં આવવા દેવાય

વન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર રૂટ પરનું વનસ્પતિ આવરણ સિંહોની અવરજવર માટે અનુકૂળ છે. આથી કુદરતી કોરિડોરમાં અતિક્રમણ કે અન્ય પ્રકારના વિઘ્નો ઊભા ન થાય તે માટે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રામપરા-વિરડી-ચોટીલા વિસ્તારના ઘાસાચ્છાદિત વિસ્તારો ઉપરાંત અહીં નીલગાય જેવા વન્યપ્રાણીઓની હાજરી પણ સિંહો માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

= 2047 સુધી સિંહોનું ફૂટપ્રિન્ટ 50 હજાર ચો.કિ.મી. સુધી?

હાલ સિંહોની હાજરીનો વિસ્તાર આશરે 35 હજાર ચોરસ કિલોમીટર હોવાનું જણાવાય છે. સિંહોની વધતી વસતી અને વિસ્તરતી અવરજવરને જોતા 2047 સુધીમાં તેમનું ફૂટપ્રિન્ટ 50 હજાર ચોરસ કિલોમીટર સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગીરની બહાર સિંહોની વધતી ‘સોલો સફર’ હવે માત્ર અવરજવર પૂરતી રહી નથી; હિંગોળગઢ-રામપરા સહિતના કુદરતી કોરિડોર ભવિષ્યમાં સિંહોના નવા વસવાટ માટે મહત્વના કેન્દ્ર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai