સાતમ-આઠમને લઈ ફૂડ વિભાગનું મેગા ચેકિંગ : મણિનગર સહિત વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો અને ડેરીઓમાં સરપ્રાઈઝ તપાસ
અમદાવાદ: શ્રાવણ માસ અને સાતમ-આઠમ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ભેળસેળખોરો સામે ચેકિંગ ઝુંબેશ તેજ કરી છે. તહેવારો દરમિયાન ઘી, પનીર, માવો અને મીઠાઈઓની માંગમાં વધારો થતો હોવાથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે શહેરભરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મીઠાઈની દુકાનો-ડેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ
AMCની ફૂડ વિભાગની ટીમોએ મણિનગર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈની દુકાનો, ડેરીઓ અને ખાદ્યપદાર્થોના ઉત્પાદકો ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. અધિકારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળની શક્યતા અંગે તપાસ કરવામાં આવી હતી.
ઓગસ્ટમાં જ 500થી વધુ સેમ્પલ
ફૂડ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 500થી વધુ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને નવરંગપુરા સ્થિત ફૂડ એન્ડ હેલ્થ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા રેપિડ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા સ્થળ પર જ ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રાથમિક ભેળસેળ કે ગુણવત્તા સંબંધિત શંકા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે.
તહેવારોની સિઝનમાં લોકો મોટી માત્રામાં મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સ ખરીદતા હોવાથી AMCનું આ ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે.










