ગુજરાતમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા અને પોલીસ તપાસને વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી CCTV ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. રાજ્યના 34 જિલ્લાઓમાં 26 સરકારી વિભાગો દ્વારા લગાવવામાં આવેલા 80 હજારથી વધુ CCTV કેમેરાને એક જ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાની યોજના છે. આ માટે ટેકનોલોજી આધારિત સોલ્યુશન શોધવા સરકાર દ્વારા 37 લાખ રૂપિયાના ઈનામ સાથે હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં કોઈ ગંભીર ગુનો, વાહનચોરી કે શંકાસ્પદ વ્યક્તિ અંગે તપાસ થાય ત્યારે પોલીસને અલગ-અલગ વિભાગો પાસેથી CCTV ફૂટેજ મેળવવું પડે છે. તપાસ અધિકારીઓએ કલાકો સુધી અલગ-અલગ કેમેરાના ફૂટેજ તપાસવા પડતા હોવાથી સમય પણ વધુ લાગતો હતો.
નવી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કાર્યરત થયા બાદ વિવિધ સરકારી કેમેરાના ફીડ એક જ વિઝ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ શકશે. જેના કારણે શંકાસ્પદ વ્યક્તિ અથવા વાહનને અલગ-અલગ કેમેરામાં ક્રોસ-ટ્રેકિંગ કરવાનું વધુ ઝડપી બનશે અને પોલીસ તપાસમાં સમયની બચત થશે.
હેકાથોનમાં ટેક ટીમોની કસોટી
આ પ્રોજેક્ટ માટે ટેકનોલોજી નિષ્ણાતો, કોડર્સ અને IT ક્ષેત્રના સ્પર્ધકો પાસેથી સોલ્યુશન મંગાવવામાં આવ્યા છે. શોર્ટલિસ્ટ થયેલી ટીમોને પ્રથમ તબક્કામાં ‘સેન્ડબોક્સ’ વાતાવરણમાં પોતાના સોફ્ટવેર પ્રોટોટાઇપનું પરીક્ષણ કરવાની તક મળશે. ત્યારબાદ તેમને દિવસ-રાત, ધુમ્મસ, ખરાબ હવામાન અને બ્લર ફૂટેજ સહિતના 12 કલાકના લાઇવ કેમેરા ફીડ પર રિયલ-ટાઇમ ક્ષમતા સાબિત કરવી પડશે.
મુખ્ય પડકાર એ છે કે 26 અલગ-અલગ સરકારી વિભાગોના CCTV કેમેરા વિવિધ કંપનીઓના છે. કેટલાક કેમેરા એનાલોગ તો કેટલાક IP આધારિત છે અને તેમની સ્ટોરેજ ક્ષમતા પણ અલગ-અલગ છે. નવી સિસ્ટમને પોલીસના વાહન, સારથી, ઈ-ગુજકોપ અને ફિંગરપ્રિન્ટ જેવા ડેટાબેઝ સાથે પણ જોડવાની રહેશે.
નંબર પ્લેટથી લઈને ગુનેગાર ટ્રેકિંગ સુધી
સિસ્ટમ કાર્યરત થયા બાદ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વાહનની સ્પીડ અને રૂટ ટ્રેકિંગ જેવી સુવિધાઓ વધુ અસરકારક બની શકે છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ, ગુનેગાર અથવા ચોરાયેલું વાહન કેમેરામાં દેખાય ત્યારે પોલીસને રિયલ-ટાઇમ ઓટોમેટિક એલર્ટ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની યોજના છે.
આગામી તબક્કામાં શોપિંગ મોલ, કોમર્શિયલ બિલ્ડિંગ અને ખાનગી સોસાયટીઓના જાહેર રસ્તા તરફના CCTV કેમેરાને પણ નેટવર્ક સાથે જોડવાની શક્યતા છે. સરકારી કેમેરા ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં આવા ખાનગી કેમેરાનું મેપિંગ તપાસમાં મદદરૂપ બની શકે છે.
પ્રાઈવસી અંગે પોલીસનો ખુલાસો
વિશાળ CCTV નેટવર્કને એકસાથે જોડવાની યોજનાથી નાગરિકોની પ્રાઈવસી અંગે સવાલો પણ ઊભા થયા છે. જોકે પોલીસના જણાવ્યા મુજબ આ કોઈ નવું સર્વેલન્સ નેટવર્ક ઊભું કરવાનું પગલું નથી, પરંતુ જાહેર સ્થળોએ પહેલેથી કાર્યરત સરકારી CCTV કેમેરાને એક જ સિસ્ટમમાં ઈન્ટિગ્રેટ કરવાની પ્રક્રિયા છે.
પોલીસનો દાવો છે કે તેનો મુખ્ય હેતુ ગંભીર ગુનાઓની તપાસ ઝડપી બનાવવી, ચોરાયેલી મિલકત શોધવી અને ગુનેગારો સુધી ઝડપથી પહોંચવાનો છે.










