ગુજરાતમાં સીઝનલ ફ્લૂ **H1N1 (સ્વાઇન ફ્લૂ)**ના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. રાજકોટ અને ગાંધીનગરમાં બે-બે કેસ નોંધાયા છે. રાજકોટના શાપર અને મેટોડાના દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક યુવક અને એક સગર્ભા મહિલાની સારવાર ચાલી રહી છે.
ગાંધીનગરમાં નોંધાયેલા બંને દર્દીઓમાં H1N1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 33 વર્ષીય યુવકને છેલ્લા ચાર દિવસથી ઠંડી સાથે તાવ, શરદી-ઉધરસ અને માથામાં અસહ્ય દુખાવાની ફરિયાદ હતી. તપાસ દરમિયાન તેનો H1N1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની હિસ્ટ્રી તપાસતા તે તાજેતરમાં અજમેરની મુલાકાતેથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે.
બીજા કેસમાં 27 વર્ષીય સગર્ભા મહિલાને ગળામાં બળતરા, તાવ, શરદી અને સૂકી ઉધરસની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લેબોરેટરી તપાસમાં તેનો રિપોર્ટ પણ H1N1 પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓની હાલત હાલ સામાન્ય હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં તાત્કાલિક સમીક્ષા બેઠક
રાજ્યમાં સીઝનલ ફ્લૂ સામેની આગોતરી તૈયારીઓ અને રોગચાળાના નિયંત્રણની સમીક્ષા માટે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી સીઝનલ ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે અને ફ્લાઇટ, ટ્રેન તથા બસ મારફતે ત્યાંથી ગુજરાતમાં સતત આવાગમન રહે છે.
જોકે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી અને હાલ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે. તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
હોસ્પિટલોમાં દવા, ઓક્સિજન અને વેન્ટિલેટર તૈયાર રાખવા આદેશ
આરોગ્યમંત્રીએ તમામ સરકારી હોસ્પિટલોમાં H1N1ની 2019ની ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું પાલન કરવા સૂચના આપી છે. ઇમરજન્સી વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ જરૂરી માર્ગદર્શન આપવા જણાવાયું છે.
સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડીન તથા જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓને જરૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા રાખવા આદેશ અપાયો છે.
આ ઉપરાંત હોસ્પિટલોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સ્ટાફ સંબંધિત કોઈ સમસ્યા હોય તો આંતરિક સ્તરે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી દર્દીઓની સારવાર અને આરોગ્ય સેવાઓ પર કોઈ અસર ન પડે.










