નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોને લીલી ઝંડી આપી
રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની માતા-બહેનો સહિત લાખો મુસાફરોને વધુ સુવિધાજનક અને આરામદાયક પરિવહન સેવા મળી રહે તે માટે 101 નવી એસ.ટી. બસો જનસેવામાં મૂકવામાં આવી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ એસ.ટી. બસનું નિરીક્ષણ કરી નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
રાજ્યની માતા-બહેનો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે એસ.ટી. નિગમનો સ્ટાફ રજાના દિવસોમાં પણ સતત સેવા આપે છે. કર્મચારીઓની આ કર્તવ્યનિષ્ઠા બદલ હર્ષ સંઘવીએ સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
લોકાર્પિત કરવામાં આવેલી 101 નવી બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિડી અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ તમામ બસોને રક્ષાબંધનના તહેવાર દરમિયાન કરવામાં આવનારા વિશેષ બસ સંચાલનમાં પણ સામેલ કરવામાં આવશે.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા નાગરિકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે સલામત, સુવિધાજનક અને આરામદાયક જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રક્ષાબંધન દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 વધારાની બસ ટ્રીપો દોડાવવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા મુખ્ય તીર્થધામો માટે પણ વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
તહેવાર દરમિયાન મુસાફરોને સમયસર અને સરળતાથી પોતાના વતન તથા ધાર્મિક સ્થળોએ પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.










