ટ્રેનની મુસાફરી હવે વધુ ઝડપી બનશે : ગુજરાતની 21 સહિત 23 ટ્રેનો 130 કિમીની ઝડપે દોડશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોનો પ્રવાસ સમય ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વિવિધ રૂટ પર દોડતી ગુજરાતની 21 સહિત કુલ 23 લોકપ્રિય મેલ અને સુપરફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ટ્રેનોની ઝડપ વધારવામાં આવતા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત તરફ મુસાફરી કરતા મુસાફરોનો પ્રવાસ સમય ઘટવાની શક્યતા છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને આ નિર્ણયથી મોટો લાભ મળશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 19421-22 અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં કોચની સંખ્યા 20થી વધારીને 22 કરવામાં આવશે. આ ટ્રેનમાં એલએચબી કોચનો ઉપયોગ કરવામાં આવશે અને તેને પણ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે.

ટ્રેનોને 130 કિમીની ઝડપે દોડાવવા માટે રેલવે દ્વારા પ્લેટફોર્મની લંબાઈ, કોચની ટેકનિકલ જરૂરિયાતો અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. એક એન્જિન અને 22 એલએચબી કોચ ધરાવતી ટ્રેન માટે ઓછામાં ઓછું 551 મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી રહેશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે એલએસએલઆરડી કોચની વ્યવસ્થા કરવામાં આવશે.

130 કિમીની ઝડપે દોડનારી 23 ટ્રેનો

આ યાદીમાં દાદર-એકતાનગર સુપરફાસ્ટ, બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ, સુરત-મહુવા સુપરફાસ્ટ, મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ, બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ, બાંદ્રા-ભુજ સાપ્તાહિક, કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ, ભગત કી કોઠી-દાદર સુપરફાસ્ટ, રણકપુર એક્સપ્રેસ, અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ, કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ, બાંદ્રા-બાડમેર હમસફર, બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ, બાંદ્રા-ભુજ કચ્છ સુપરફાસ્ટ, ઝાંસી-બાંદ્રા સુપરફાસ્ટ, ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ, રાજકોટ-કોયમ્બતૂર એક્સપ્રેસ, બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક, જયપુર-ભોપાલ એક્સપ્રેસ, ઈન્દોર-હિસાર સુપરફાસ્ટ, બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક, ઓખા-જયપુર સાપ્તાહિક અને શાંતિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

રેલવેની આ નવી વ્યવસ્થાથી ગુજરાતથી દેશના વિવિધ શહેરો વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ, ભુજ, ઓખા અને વેરાવળ જેવા શહેરોના મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં સમયની બચત થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai