ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક આધારિત સ્ટેશનરીનો વપરાશ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઈલો અને ફોલ્ડર્સનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવશે. આ નિર્ણયનો અમલ સચિવાલય ઉપરાંત જાહેર ક્ષેત્રનાં સાહસો, યુનિવર્સિટીઓ, બોર્ડ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સહિત તમામ સરકારી વિભાગોમાં કરવામાં આવશે.
હાલમાં કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિકની ફાઈલો અને ફોલ્ડર્સનો જૂનો સ્ટોક પૂરો થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે. જોકે ત્યારબાદ નવી ખરીદી કરવામાં આવે ત્યારે સરકારી કચેરીઓએ પ્લાસ્ટિકના બદલે કાગળ, શણ અથવા કાપડમાંથી તૈયાર કરાયેલા કવર અને ફોલ્ડર્સનો જ ઉપયોગ કરવાનો રહેશે.
પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 હેઠળ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નવી ખરીદી અંગે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે તમામ સ્ટેશનરી સરકારની નવી માર્ગદર્શિકા મુજબ જ ખરીદવાની રહેશે. સરકારી કચેરીઓમાં દસ્તાવેજોના સંગ્રહ માટે મોટા પ્રમાણમાં વપરાતી પ્લાસ્ટિક ફાઈલોને તબક્કાવાર દૂર કરવાથી પ્લાસ્ટિક કચરો ઘટાડવામાં મદદ મળશે.
સરકારના આ નિર્ણયથી કચેરીઓની દૈનિક કામગીરીમાં પર્યાવરણને અનુકૂળ સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન મળશે. સાથે જ સરકારી તંત્રમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.










