LLBના પરિણામમાં વિલંબથી વિદ્યાર્થીઓમાં ચિંતા : સેમેસ્ટર-3ના ફોર્મ શરૂ, છતાં અગાઉના પરિણામ બાકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLBના સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-2ના પરિણામ જાહેર કરવામાં હજુ સુધી વિલંબ થતાં વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સેમેસ્ટર-1ની પરીક્ષા 9 ફેબ્રુઆરી 2026ના રોજ અને સેમેસ્ટર-2ની પરીક્ષા 11 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. પરીક્ષાઓને લાંબો સમય વીતી ગયો હોવા છતાં પરિણામ જાહેર ન થતાં પરીક્ષા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

બીજી તરફ હવે વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર-3ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અગાઉના બંને સેમેસ્ટરના પરિણામ જાહેર થયા વિના આગામી સેમેસ્ટરની પ્રક્રિયા શરૂ થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. નવા કોર્સ અને અભ્યાસક્રમમાં થયેલા ફેરફારને કારણે પુસ્તકો સમયસર ન મળવાની ફરિયાદો વચ્ચે પરિણામમાં વિલંબે વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે.

આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી LLB સેમેસ્ટર-1 અને 2ના પરિણામ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે. તેમણે પેપર મૂલ્યાંકનની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા, મૂલ્યાંકન કરતા અધ્યાપકોના મહેનતાણાની ચુકવણી સમયસર કરવા તેમજ પરિણામમાં વિલંબનું સત્તાવાર કારણ વિદ્યાર્થીઓ સમક્ષ જાહેર કરવાની માગણી કરી છે.

રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ મહિનાઓ સુધી પરિણામની રાહ જુએ અને બીજી તરફ સેમેસ્ટર-3ના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય તે પરીક્ષા વ્યવસ્થાની ગંભીર વહીવટી ખામી દર્શાવે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પરિણામમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી શકાય નહીં તેમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં B.Com સેમેસ્ટર-2ના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કરાયા હોવાના આક્ષેપો થયા હતા અને પરિણામ રદ કરવાની માંગ પણ ઉઠી હતી. હવે LLBના પરિણામમાં વિલંબને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પરિણામ જાહેર કરી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai