વિદ્યાર્થીઓને કોલેજથી કોર્પોરેટ જગત સુધીની કારકિર્દી માટે માર્ગદર્શન અપાયું
વલ્લભ વિદ્યાનગર : ચારુતર વિદ્યા મંડળ સંચાલિત અને સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વી.પી. એન્ડ આર.પી.ટી.પી. સાયન્સ કોલેજના ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કારકિર્દી માર્ગદર્શનના હેતુથી “Scale-Up Science: From Campus to Corporate” નામની વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત “Explore to Unexplored” વિષય પર જીવંત અને સંવાદાત્મક સેશન યોજાયું હતું. કાર્યક્રમમાં એલેવેર ઇમ્પેક્ટ હબ એલએલપીના સ્થાપક અને સીઈઓ અંકિતા મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના બહોળા અનુભવના આધારે વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસથી કોર્પોરેટ જગતમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી ઇન્ટરવ્યુ સ્કિલ્સ, વ્યક્તિત્વ વિકાસ, વર્તન અને સંવાદ કૌશલ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી વિભાગની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તથા O2H Discoveryમાં એસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ (એનાલિટિકલ) શ્વેતા પટેલે વિદ્યાર્થીઓને લીડરશીપ ગુણો અને મેનેજમેન્ટ ક્ષમતાઓ વિકસાવવા અંગે રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. નિકુંજ ભટ્ટ તથા ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી વિભાગના વડા ડૉ. પી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.










