ગુજરાતમાં મોટા વૈશ્વિક રોકાણના સંકેત : સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર સહિતના ક્ષેત્રોમાં રોકાણકારો ઉત્સુક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા હતા. એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પર આંતરરાષ્ટ્રીય સ્તરે રહેલા વિશ્વાસનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. વડાપ્રધાન પરના વિશ્વાસને કારણે વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા ઉત્સુક છે. ભારતમાં આવનારું વધુમાં વધુ રોકાણ ગુજરાત તરફ આવે તે હેતુથી અમેરિકામાં વિવિધ રોકાણકારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.

અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટર સહિતના ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટી માટે નાણાકીય ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે યોજાયેલી બેઠકોને પણ મુખ્યમંત્રીએ સફળ ગણાવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ગુજરાતમાં ખૂબ મોટું મૂડીરોકાણ આવશે.

11મી વાઈબ્રન્ટ સમિટ માટે રોકાણકારોને આમંત્રણ

વિશ્વભરના રોકાણકારો, ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રોકાણ, સહયોગ અને ભાગીદારી માટે વૈશ્વિક કંપનીઓને ગુજરાત સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્કમાં રોકાણકારો, ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ, યુવા ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતોમાં ગુજરાતમાં રોકાણની તકો અને રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ વિદેશ પ્રવાસમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્યના ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું.

પ્રતિનિધિમંડળ ગુજરાત પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડેક્સ-બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત, અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવ, અમદાવાદ પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને પ્રવાસની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai