કેનેડા જવાની લાલચમાં અમદાવાદી ફેક વિઝા સાથે ઝડપાયો : બોર્ડિંગ પાસ બદલવાની ચાલ નિષ્ફળ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરથી કેનેડા જવા નીકળેલા અમદાવાદના રાણીપના પ્રકાશ નામના શખસને નકલી વિઝા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પ્રકાશ એર કેનેરની ફ્લાઈટમાં દિલ્હીથી ટોરોન્ટો જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ફ્લાઈટમાં બોર્ડિંગ કરતા પહેલાં જ એરલાઈન સ્ટાફને તેની હિલચાલ શંકાસ્પદ લાગતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

આ ઘટના 16 ઓગસ્ટની વહેલી સવારે બની હતી. પ્રકાશ પાસે કેનેડાનો માન્ય વિઝા ન હોવાથી એજન્ટે થાણેના તુશાંત નામના શખસ સાથે સેટિંગ કરાવ્યું હતું. સમગ્ર પ્લાન મુજબ પ્રકાશે દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઈટનું બોર્ડિંગ પાસ મેળવ્યું હતું અને તેના આધારે ઈમિગ્રેશન તથા સિક્યોરિટી ક્લિયરન્સ પણ મેળવી લીધું હતું. બીજી તરફ તુશાંત પાસે ટોરોન્ટો જતી ફ્લાઈટનું બોર્ડિંગ પાસ હતું.

સિક્યોરિટી બાદ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ બદલ્યા

પ્લાન મુજબ સિક્યોરિટી ક્લિયરન્સ બાદ બંનેએ એકબીજાના પાસપોર્ટ અને બોર્ડિંગ પાસની અદલાબદલી કરી હતી. ત્યારબાદ પ્રકાશ તુશાંતના નામે કેનેડા જતી ફ્લાઈટમાં બેસવાનો હતો, જ્યારે તુશાંત પ્રકાશના નામે નેપાળ જવાનો હતો. જોકે, પ્રકાશ કેનેડાની ફ્લાઈટમાં બોર્ડ કરે તે પહેલાં જ એર કેનેડાના સ્ટાફને તેના પર શંકા ગઈ હતી.

સ્ટાફે પ્રકાશના પાસપોર્ટ અને વિઝાની ઝીણવટભરી તપાસ કરતાં પાસપોર્ટ પર લગાવેલું કેનેડાનું વિઝા સ્ટીકર અને 15 ઓગસ્ટનો ભારતીય ઈમિગ્રેશન ડિપાર્ચર સ્ટેમ્પ નકલી હોવાનું સામે આવ્યું હતું. ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન પ્રકાશે વોટર આઈડીનો ઉપયોગ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

એરલાઈન્સની ફરિયાદ બાદ બંનેની ધરપકડ

નકલી દસ્તાવેજો સાથે કેનેડા જવાનો પ્રયાસ સામે આવતાં એરલાઈન્સે તાત્કાલિક IGI એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રકાશ ઉપરાંત તેને બોર્ડિંગ પાસ પૂરો પાડનાર તુશાંતની પણ ધરપકડ કરી છે. બંને સામે નકલી દસ્તાવેજો અને છેતરપિંડી સહિતની બાબતોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિઝા ધરાવતા મૂળ મુસાફરોને બે થી પાંચ લાખ રૂપિયાની લાલચ આપીને બોર્ડિંગ પાસ બદલવાની મોડસ ઓપરેન્ડી અગાઉ પણ ઉપયોગમાં લેવાઈ હોવાની શક્યતા છે. પાસપોર્ટમાં નકલી વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી મુસાફરોને વિદેશ મોકલવાના પ્રયાસો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ હવે આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા એજન્ટો અને અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બોર્ડિંગ પાસ અને પાસપોર્ટની અદલાબદલી કરીને મુસાફરોને વિદેશ મોકલવાના કથિત રેકેટની તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai