જન્માષ્ટમીમાં પ્રવાસન ક્ષેત્રે તેજી : ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ ટુર પેકેજના બુકિંગમાં વધારો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આગામી જન્માષ્ટમીની રજાઓને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓમાં દેશ-વિદેશના પ્રવાસ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટૂર પેકેજના બુકિંગમાં સારો વધારો નોંધાઈ રહ્યો છે. પરિવાર, મિત્રમંડળો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ગ્રુપ બુકિંગ પણ થઈ રહ્યા છે.

ડોમેસ્ટિક પ્રવાસોમાં ગોવા, કેરળ, દક્ષિણ ભારત, ઉત્તરાખંડ, અયોધ્યા, વારાણસી, જયપુર, ઉદયપુર, આગ્રા, દિલ્હી અને મુંબઈ પ્રવાસીઓની પસંદગીમાં છે. જ્યારે ઈન્ટરનેશનલ ટુરમાં સિંગાપોર, વિયેતનામ, બાલી, થાઈલેન્ડ અને મલેશિયા હોટ ફેવરિટ બન્યા છે. મધ્ય-પૂર્વની યુદ્ધ પરિસ્થિતિને કારણે દુબઈ માટેની પૂછપરછમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એરફેર બમણું થતાં વિદેશ પ્રવાસ મોંઘો

મધ્ય-પૂર્વના સંઘર્ષને કારણે ઈંધણના ખર્ચમાં વધારો અને તહેવારો દરમિયાન વધેલા પ્રવાસી ટ્રાફિકને પગલે એરલાઇન્સ દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સિંગાપોર, બાલી અને થાઈલેન્ડ જેવા સ્થળો માટેના એરફેરમાં નોંધપાત્ર વધારો થતાં ઈન્ટરનેશનલ ટૂર પેકેજ અગાઉની સરખામણીએ વધુ મોંઘા બન્યા છે. ટૂર સંચાલકોના જણાવ્યા મુજબ, એરફેરમાં આશરે 50 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

ગોવા સૌથી વધુ હોટ ફેવરિટ

રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આ જન્માષ્ટમીમાં ગોવા સૌથી વધુ પસંદગીનું ડેસ્ટિનેશન બની રહ્યું છે. જોકે રાજકોટ એરપોર્ટથી ગોવા માટે સીધી ફ્લાઈટ ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓને અમદાવાદ, મુંબઈ અથવા દિલ્હી જેવા એરપોર્ટ પરથી ફ્લાઈટ લેવી પડે છે. તહેવારોના વધતા ટ્રાફિકને કારણે આ રૂટ પર પણ મુસાફરીનો ખર્ચ વધી રહ્યો છે.

આ ઉપરાંત સિક્કિમ, ભૂતાન, નેપાળ અને ઉત્તરાખંડ માટે પણ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નેપાળમાં કાઠમંડુ, પશુપતિનાથ, પોખરા અને જનકપુર ઉપરાંત પટના, ગયા, વારાણસી, અયોધ્યા અને કાશી સાથેના સંયુક્ત પ્રવાસ પેકેજમાં પણ રસ વધ્યો છે.

મધ્યમ વર્ગની પસંદગી સોમનાથ-દ્વારકા

શ્રીમંત પરિવારો અને ઉચ્ચ આવક ધરાવતા પ્રવાસીઓ દેશ-વિદેશના લાંબા પ્રવાસ તરફ વળી રહ્યા છે, ત્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ગિરનાર, અંબાજી અને આબુ જેવા નજીકના ધાર્મિક તથા પર્યટન સ્થળો પહેલી પસંદ બની રહ્યા છે.

બે-ત્રણ દિવસની ટૂંકી ટુર માટે પણ હોટલોમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયા છે. અનેક પરિવારો ખાનગી વાહનો, ટ્રેન અને બસ મારફતે પ્રવાસનું આયોજન કરી રહ્યા છે.

રેલવે અને ખાનગી વાહનોમાં પણ બુકિંગ વધ્યું

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતાને પગલે લાંબા રૂટની ટ્રેનોમાં અત્યારથી વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ખાનગી વાહનો અને બસોના બુકિંગમાં પણ વધારો થયો છે. પ્રવાસીઓ કપડાં, બેગ, કોસ્મેટિક્સ, જૂતાં-ચપ્પલ અને અન્ય પ્રવાસી સામાનની ખરીદી પણ શરૂ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, સાસણ ગીર, સતાધાર અને વિરપુર જેવા સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચવાની સંભાવના છે. પરિણામે આ વર્ષે જન્માષ્ટમીની રજાઓ દરમિયાન સમગ્ર પ્રવાસન અને ટૂર-ટ્રાવેલ ક્ષેત્રમાં સારી એવી તેજી જોવા મળવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai