ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ડિજિટલ સેવાઓને મુસાફરો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. 26 ઓગસ્ટ 2026ના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 મુસાફરોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી, જે નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ મારફતે એક દિવસમાં થયેલું અત્યાર સુધીનું સૌથી વધુ બુકિંગ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત મુસાફરી પૂરી પાડવા માટે GSRTC દ્વારા ડિજિટલ સેવાઓને સતત મજબૂત બનાવવામાં આવી રહી છે. મોબાઇલ એપના કારણે મુસાફરો હવે ઘરે બેઠા સ્માર્ટફોન મારફતે પોતાની મુસાફરીની ટિકિટ સરળતાથી બુક કરી શકે છે.
અગાઉના રેકોર્ડ પણ તૂટ્યા
GSRTC મોબાઇલ એપ પર અગાઉ 4 નવેમ્બર 2024ના રોજ 85,247 અને 25 ઓક્ટોબર 2025ના રોજ 85,205 ટિકિટનું એક દિવસનું સૌથી વધુ બુકિંગ નોંધાયું હતું. હવે 26 ઓગસ્ટ 2026ના રોજ 88,626 ટિકિટના બુકિંગ સાથે બંને જૂના રેકોર્ડ તૂટી ગયા છે.
મુસાફરો માટે બે મહત્વની મોબાઇલ એપ
મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી કતારમાં ઊભા રહેવું ન પડે તે માટે GSRTC દ્વારા ‘GSRTC Ticket Booking’ મોબાઇલ એપ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપ મારફતે મુસાફરો એડવાન્સ ટિકિટ બુક કરી શકે છે.
આ ઉપરાંત બસનું ચોક્કસ સમય અને લોકેશન જાણવા માટે ‘GSRTC Track Live’ એપ પણ ઉપલબ્ધ છે. ડિજિટલ સેવાઓના વધતા ઉપયોગથી મુસાફરોનો સમય બચી રહ્યો છે અને જાહેર પરિવહન સેવામાં ટેક્નોલોજીનો ઉપયોગ વધુ અસરકારક બની રહ્યો છે.
એક જ દિવસમાં 88,626 એડવાન્સ બુકિંગનો આ આંકડો દર્શાવે છે કે ગુજરાતના મુસાફરો હવે પરંપરાગત ટિકિટ બુકિંગની સાથે ડિજિટલ માધ્યમોને પણ મોટા પ્રમાણમાં અપનાવી રહ્યા છે.










