રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ટૂંક સમયમાં આધારકાર્ડ સંબંધિત સેવા શરૂ થવા જઈ રહી છે. સેવા શરૂ કરવા માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને સંભવતઃ શનિવારે અથવા આગામી સપ્તાહ દરમિયાન આ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ સેવાનું ઉદ્ઘાટન કલેકટર ડો. ઓમપ્રકાશના હસ્તે કરવામાં આવશે. આ સેવા શરૂ થયા બાદ આધારકાર્ડ માટે અરજદારોને અન્ય સ્થળોએ જવાની અને ધક્કા ખાવાની જરૂરિયાત ઘટશે.
હાલ રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં નાગરિકોને આવકના દાખલા, રેશનકાર્ડ, 7/12 અને 8-અના દાખલા, EWS પ્રમાણપત્ર સહિતની વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હવે તેમાં આધારકાર્ડની સેવા ઉમેરાતા એક જ સ્થળે વધુ મહત્વની નાગરિક સેવાઓ મળી શકશે.
અત્યાર સુધી જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની સેવા ઉપલબ્ધ ન હોવાથી આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે અરજદારોને અન્ય કેન્દ્રો પર જવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા જનસેવા કેન્દ્રમાં જ આધારકાર્ડ સેવા ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આધારકાર્ડ સેવા શરૂ થયા બાદ રાજકોટના નાગરિકોને વધુ એક મહત્વપૂર્ણ સરકારી સેવા સરળતાથી અને એક જ સ્થળે મળી રહેશે, જેના કારણે સમય અને મહેનત બંનેની બચત થશે.










