લોકમેળા દરમિયાન રેસકોર્સ રીંગ રોડ પર તમામ વાહનો માટે પ્રવેશબંધી, 14 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું રાજકોટમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને પગલે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર નો-એન્ટ્રી અને નો-પાર્કિંગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

મેળામાં રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે પહોંચશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં, લોકો સરળતાથી અવરજવર કરી શકે અને અકસ્માતના બનાવો અટકાવી શકાય તે હેતુથી તા. 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક નિયંત્રણો અમલમાં રહેશે.

14 સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા

લોકમેળામાં આવતા લોકો માટે તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 14 સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કિશાનપરા ચોક સાયકલ શેરિંગ જગ્યા, નહેરુ ઉદ્યાન બહુમાળી ભવન સામે, બાલભવન મેઈન ગેટથી આર્ટ ગેલેરી સુધીનો રોડ, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી સામેનું ગ્રાઉન્ડ, નગર રચના કચેરીનું ગ્રાઉન્ડ, ગુજરાત સહકારી કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ, આયકર વાટિકા પાછળનું રિલાયન્સ ગ્રાઉન્ડ, એસબીઆઈ બેંક સામે શારદાબાગનું ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ સામે મેમણ બોર્ડિંગ ગ્રાઉન્ડ, કિશાનપરા ચોક ખાતે કેપિટલ હોટેલ પાછળનું ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ પાસેનો વિસ્તાર તથા હોમગાર્ડ ઓફિસર કોલોનીનો સમાવેશ થાય છે.

રેસકોર્સ રીંગ રોડ પર ભારે વાહનોને પણ પ્રવેશબંધી

જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડક્વાર્ટર, જૂની એનસીસી ચોક અને આમ્રપાલી અંડરબ્રિજ સુધીના રસ્તાઓ તમામ વાહનો માટે બંધ રહેશે અને નો-પાર્કિંગ ઝોન રહેશે. આ ઉપરાંત ટ્રાફિક શાખાથી પોલીસ હેડક્વાર્ટર, આઈબી ઓફિસથી રૂરલ એસપીના બંગલા સુધી તથા સૂરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના ગેટ સુધીના રસ્તાઓ પર પણ નો-પાર્કિંગ રહેશે.

ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ અને જિલ્લા પંચાયત ચોક સુધીના રસ્તાઓ તેમજ વિશ્વા ચોકથી જૂની આરએમસી ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. રેસકોર્સ રીંગ રોડની આસપાસ લારી, ગલ્લા, પાથરણા કે રેંકડી રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને તમામ પ્રકારના ભારે વાહનો માટે સમગ્ર લોકમેળા દરમિયાન રેસકોર્સ રીંગ રોડ પર પ્રવેશ બંધ રહેશે.

મેળામાં આવતા વાહનો માટે પણ નિયંત્રણ

પેસેન્જર ભરીને લોકમેળા તરફ આવતા વાહનો માટે ચૌધરી હાઈસ્કૂલ ચોક, ભીલવાસ ચોક, મહિલા અંડરબ્રિજ, આમ્રપાલી અંડરબ્રિજ, ધ સિટી સેન્ટ્રલ, એરપોર્ટ સર્કલ, જામનગર રોડ, રૂડા બિલ્ડિંગ અને જામ ટાવર ચોક સહિતના માર્ગો પરથી પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

આ રસ્તાઓ પરથી અવરજવર ચાલુ રહેશે

ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ, જામનગર રોડ, સાંઢિયા પુલ થઈ એરપોર્ટ ફાટક તથા ગાંધીગ્રામ તરફ વાહનવ્યવહાર કરી શકાશે. શ્રોફ રોડથી ચાણક્ય બિલ્ડિંગ ચોક, ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક તેમજ આમ્રપાલી અંડરબ્રિજથી રૈયા રોડ તરફ પણ અવરજવર કરી શકાશે.

રેસકોર્સ પાર્ક અને મારુતિનગર તરફ જવા માટે ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ, જામનગર રોડ, સાંઢિયા પુલ થઈ એરપોર્ટ ફાટકનો માર્ગ ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે આમ્રપાલી અંડરબ્રિજથી રેસકોર્સ મેયર બંગલા અને રેલવે પાટાની જમણી બાજુના રસ્તેથી એરપોર્ટ ફાટક તરફ જઈ શકાશે.

ખાનગી બસો માટે મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડનો માર્ગ ખુલ્લો રહેશે. ઉપરાંત લોકમેળા દરમિયાન રેસકોર્સ રીંગ રોડ ફરતે પાસધારક વાહનોને પણ મહત્તમ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવાની સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai