ખેરા: વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણીના ભાગરૂપે GHCL ફાઉન્ડેશન દ્વારા હેલ્પએજ ઈન્ડિયાના સહયોગથી ખેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સહાય અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો પ્રત્યે સન્માન વ્યક્ત કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને દૈનિક જીવનને વધુ સુગમ બનાવવાનો હતો.
આ પ્રસંગે હેલ્પએજ ઈન્ડિયા દ્વારા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને 11 વ્હીલચેર અને 7 ઘોડીઓ/વોકિંગ સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સહાયરૂપ સાધનો મળતા વરિષ્ઠ નાગરિકોમાં ખુશી જોવા મળી હતી.
મેડિકલ મોબાઈલ વાનના ડૉ. કલ્પેશ ધાંધલિયા દ્વારા વૃદ્ધાવસ્થામાં જોવા મળતી વિવિધ આરોગ્ય સમસ્યાઓ, અકસ્માતથી બચવાના ઉપાયો, સુરક્ષા અને યોગ્ય સંભાળ અંગે આરોગ્ય જાગૃતિ સત્ર યોજવામાં આવ્યું હતું. તેમણે વરિષ્ઠ નાગરિકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા તેમજ સમયાંતરે જરૂરી આરોગ્ય તપાસ કરાવવાની સલાહ આપી હતી.
GHCL ફાઉન્ડેશનના CSR વિભાગના હનીફ કાળવાતર અને ડૉ. રવિ સોલંકીએ ગ્રામ્ય વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ, તેમના પ્રત્યેના સામાજિક મૂલ્યો અને પરિવાર તથા સમાજમાં યુવાનોની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વરિષ્ઠ નાગરિકોને જીવનના અનુભવ અને જ્ઞાનનો અમૂલ્ય સ્ત્રોત ગણાવી તેમની સાથે સન્માનપૂર્વક વર્તવાની અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન હેલ્પએજ ઈન્ડિયાના શ્રી જયસુખ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી રોહિત વાળા, પરસનાજી રાઠોડ, ભાવસિંહ વંશ, જીવા મોરી, લક્ષ્મણ નાઘેરા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
GHCL ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને સન્માન, સંભાળ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સંસ્થા સતત પ્રતિબદ્ધ છે. કાર્યક્રમના માધ્યમથી વરિષ્ઠ નાગરિકો પ્રત્યે માત્ર સન્માન વ્યક્ત કરવાનો જ નહીં, પરંતુ તેમની સુખાકારી, સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે પરિવાર તથા સમાજની સામૂહિક જવાબદારીનો પણ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.










