વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી માટે 15 દિવસના પેરોલની માંગણી કરી હતી, હવે જેલ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરે તેવી શક્યતા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનું છે. સત્રમાં હાજરી આપવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તરફથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સત્તાવાર નિમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, સજા ભોગવી રહેલા ચૈતર વસાવા હાલમાં વડોદરા જેલમાં બંધ હોવાથી સત્રમાં હાજરી આપવા માટે તેમણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ચૈતર વસાવાએ 15 દિવસના પેરોલની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે પેરોલ માટેની આવી અરજી સીધી હાઈકોર્ટ સમક્ષ કરવાને બદલે સૌપ્રથમ સંબંધિત જેલ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે.
હાઈકોર્ટના આ વલણ બાદ ચૈતર વસાવાએ પોતાની પેરોલ અરજી પરત ખેંચી લીધી છે. હવે તેઓ જેલ પ્રશાસન સમક્ષ પેરોલની માંગ કરી શકે છે. બીજી તરફ, સત્રમાં હાજરી માટે હંગામી જામીન મેળવવા માટે નવી કાનૂની કાર્યવાહી કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કયા કેસમાં થઈ સજા?
ચૈતર વસાવા ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં બનેલી એક ઘટનાને લગતા કેસમાં સજા ભોગવી રહ્યા છે. સરકારી જમીન પર સ્થાનિક ગ્રામજનોએ કપાસનું વાવેતર કર્યું હતું. વન વિભાગ દ્વારા આ પાક દૂર કરવામાં આવ્યા બાદ ગ્રામજનોએ થયેલા નુકસાનના વળતરની માંગ સાથે ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો.
આ મુદ્દે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. જોકે, ત્યારબાદ વન વિભાગના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસમાં ગંભીર ગુનો નોંધાયો હતો.
ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે ચૈતર વસાવા અને તેમના સાથીઓએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપી હતી અને વળતરની રકમ ચૂકવવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદમાં હવામાં ફાયરિંગ કરવાના તેમજ અધિકારીઓને ધમકાવીને એટીએમમાંથી રકમ ઉપડાવી ખેડૂતને ચૂકવવા મજબૂર કરવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
9 આરોપીઓને સાત વર્ષની સજા
આ કેસમાં નર્મદા પોલીસે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસની સુનાવણી બાદ નર્મદા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા ફટકારી હતી.
સજા બાદ ચૈતર વસાવા વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા છે. અગાઉ તેમની જામીન અરજી પણ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હવે સત્રમાં હાજરી કેવી રીતે?
વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર નજીક આવી રહ્યું છે અને અધ્યક્ષ તરફથી ચૈતર વસાવાને સત્રમાં હાજરી માટે સત્તાવાર નિમંત્રણ પણ મળી ચૂક્યું છે. હવે હાઈકોર્ટમાંથી પેરોલ અરજી પરત ખેંચ્યા બાદ તેઓ જેલ ઓથોરિટી સમક્ષ પેરોલ માટે અરજી કરે છે કે પછી હંગામી જામીન માટે નવી કાનૂની કાર્યવાહી કરે છે, તેના પર નજર રહેશે.
જો તેમને જરૂરી મંજૂરી અથવા કોર્ટનો હુકમ મળે તો તેઓ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકશે.










