ઘોરીયા નાગસ્વામી મહારાજને ફૂલોની વિશેષ પૂજા, દૂધનાથ મહાદેવ મંદિરે કાળભૈરવનો લોટ અને ભોજનનું આયોજન
ઉના: શ્રાવણ માસની નાગપંચમી નિમિત્તે ઉનાના મોઠા ગામમાં ધાર્મિક આસ્થાના બે કાર્યક્રમો યોજાયા હતા. મોઠા ગામની સીમમાં બિરાજમાન શ્રી ઘોરીયા નાગસ્વામી મહારાજને સેવકો દ્વારા ફૂલોની વિશેષ પૂજા અર્પણ કરવામાં આવી હતી. જ્યારે શ્રી દૂધનાથ મહાદેવ મંદિરે કાળભૈરવનો લોટ, ધૂન-ભજન તથા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોઠા ગામની સીમમાં આવેલું શ્રી ઘોરીયા નાગસ્વામી મહારાજનું સ્થાન બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ તરીકે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. મોઠા ઉપરાંત આસપાસના અનેક ગામોના લોકો પણ અહીં શ્રદ્ધા સાથે દર્શન અને પૂજા માટે આવે છે. નાગપંચમીના પવિત્ર પર્વ નિમિત્તે સેવકો દ્વારા મહારાજને ફૂલોની વિશેષ પૂજા અર્પણ કરવામાં આવી હતી.
માનતા પૂરી કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા
ઘોરીયા નાગસ્વામી મહારાજનું આ સ્થાન તપસ્વી બાપુના આશ્રમ તરીકે પણ ઓળખાય છે. અહીં શ્રદ્ધાળુઓ પોતાની વિવિધ માનતાઓ રાખે છે. દુઃખ દૂર થાય, મનગમતી નોકરી મળે અને સંતાન પ્રાપ્તિ થાય તેવી મનોકામના સાથે લોકો ખીચડીની માનતા રાખતા હોવાનું જણાવાયું હતું.
માનતા પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ પોતાની શક્તિ અને શ્રદ્ધા મુજબ ખીચડી જમાડવાથી લઈને જમણવાર સુધીના આયોજન કરે છે.
દૂધનાથ મહાદેવ મંદિરે કાળભૈરવનો લોટ
મંગળવાર નિમિત્તે શ્રી દૂધનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવકો દ્વારા કાળભૈરવનો લોટ, મહાદેવને થાળ, ધૂન-ભજન અને ભોજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાળભૈરવ અને મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
ગામના યુવાનોનો સહયોગ
ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે મોઠા ગામના બાપાસીતારામ મંડળ, ગોપી મંડળ અને ગામના યુવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભીખુભા ગોહિલ, ભરતસિંહ ગોહિલ, રાવતસિંહ ગોહિલ સહિત ગામના અન્ય યુવાનોએ જહેમત ઉઠાવી હતી.










