ગાંધીનગર: ગુજરાત માટે કરવેરાની આવકના મોરચે સારા સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યને GST હેઠળ રૂ. 8,312 કરોડની આવક થઈ છે. ગત વર્ષે ઓગસ્ટમાં થયેલી રૂ. 6,470 કરોડની આવકની સરખામણીએ આ વખતે 28 ટકાનો વધારો નોંધાયો છે.
રાષ્ટ્રીય સ્તરે ઓગસ્ટ-2026 દરમિયાન GST આવકમાં 14.8 ટકાનો ગ્રોથ નોંધાયો છે. તેની સામે ગુજરાતની GST આવકમાં 28 ટકાનો વધારો નોંધાતા રાજ્યની કર આવકની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ-2026ના અંત સુધીમાં ગુજરાતને GSTમાંથી કુલ રૂ. 41,691 કરોડની આવક મળી છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 32,490 કરોડની આવક થઈ હતી. એટલે કે આ વર્ષે પાંચ મહિનામાં GST આવકમાં પણ 28 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
અન્ય કરવેરામાં પણ મોટી આવક
ઓગસ્ટ મહિનામાં રાજ્યને GST ઉપરાંત અન્ય કરવેરામાં પણ સારી આવક થઈ છે. રાજ્યને VAT હેઠળ રૂ. 3,047 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. 1,125 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 22 કરોડની આવક થઈ છે.
આમ, ઓગસ્ટ-2026 દરમિયાન GST, VAT, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા સહિત રાજ્ય કર વિભાગને કુલ રૂ. 12,505 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
ગુજરાતની GST આવકમાં સતત નોંધાઈ રહેલો વધારો રાજ્યમાં વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિ અને કરવેરા વસૂલાતમાં મજબૂતી દર્શાવતો મહત્વનો સંકેત માનવામાં આવી રહ્યો છે.










